ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત ૨૦૦૦ ચોરસ મીટર જેટલી જમીન ખૂલ્લી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૧૪ જાન્યુઆરી : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલ વિવિધ દબાણો જેમાં મસ્જિદ, ૨૦ જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાક બાંધકામના દબાણ સ્વેચ્છાએ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, SRC, GDA, PGVCL તથા આરોગ્ય વિભાગના સૂમેળ સંકલનથી દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં અત્યાર સુધી અંદાજિત ૪.૫થી ૫ કરોડની બજાર કિંમતની ૨૦૦૦ ચોરસ મીટર જેટલી જમીન ખૂલ્લી કરવામાં આવી હતી. કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યવાહીમાં નાયબ મ્યુ. કમિશનર શ્રી મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ તેમજ દબાણ અધિકારી ગાયત્રીપ્રસાદ જોષી, એન્જિનિયરિંગ અને ફાયર સ્ટાફ, ૩ હિટાચી, ૪ JCB, ૨ બ્રેકર, ૨ ડમ્પર અને ૬ ટ્રેકટર સાથે કામગીરી કરાઈ હતી. આ સાથે ડી.વાય.એસપી શ્રી મુકેશ ચૌધરી અને પી.આઈ શ્રી મહેશ વાળા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા હતાં. આવનારા સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે જેમાં લોકોને સામેથી દબાણ દૂર કરવા અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરાઈ છે.





