BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં હેરોઇન પકડાવાનો પ્રથમ કિસ્સો, બેંક લૂંટ અને પોલીસ ફાયરિંગના આરોપી ડ્રગ પેડલર બન્યા

સમીર પટેલ, ભરૂચ

 

અંકલેશ્વર ડેપોમાંથી ભરૂચ SOG એ બન્ને આરોપીને સિગારેટની ડબ્બીમાં 8 પડીકી અને અન્ય 14 પડીકી સાથે પકડ્યા, મિક્ષ હેરોઇન મંગાવનાર વોન્ટેડ સંતોષ નશીલો પદાર્થ લાવવા ₹10 હજાર આપવાનો હતો

બિહાર વતનમાંથી મિક્ષ હેરોઇનના સિગારેટની ડબ્બીમાં ફોઈલમાં 8 અને ઝભલામાં 14 પડીકી લાવનાર બે આરોપીને ભરૂચ SOG એ ₹11.62 લાખના ડ્રગ્સ સાથે પકડી પાડ્યાં

ભરૂચ SOG ના સુરેશભાઈને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ વતનથી ડ્રગ્સ લઈ આવવાનો છે. SOG પી.આઈ. એ.એચ. છૈયા અને ટીમે અંકલેશ્વર GIDC ડેપોમાં વોચ ગોઠવી હતી. એસ.ટી. ડેપોમાંથી રાકેશ મંડલ અને દીપક સીંગ આવતા તેમની ધરપકડ કરાઈ હતી. રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતા પાઉડરની 14 જીપલોક પડીકી મળી આવી હતી. જ્યારે તેમાં જ મુકેલ ગોલ્ડ ફ્લેક સિગારેટની ડબ્બીમાં 8 ફોઈલમાં ડ્રગ્સ મળ્યું હતું.

FSL ની હાજરીમાં તપાસ કરતા આ ડ્રગ્સ મિક્ષ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. સારંગપુરના લક્ષ્મણ નગરમાં રહેતા વોન્ટેડ સંતોષે 10 દિવસ પેહલા વતન બિહાર ગયેલા રાકેશને હેરોઇન લઈ આવવા ફોન કર્યો હતો. ગત 12 જાન્યુઆરીએ રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો તેના બે દિવસ પેહલા સંતોષનો મિત્ર પુરાની સરાઈ ગામે આ જથ્થો આપી ગયો હતો.

સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દિપક સીંગને બોલાવ્યો હતો. જે બન્ને SOG ના હાથે 58.11 ગ્રામ મિક્ષ હેરોઇન કિમત રૂપિયા 11.62 લાખના જથ્થા સાથે પકડાઈ ગયા હતા. આ ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ ₹10 હજાર આપવાનો હતો. અગાઉ પણ સંતોષે દિપક સીંગના મોબાઈલ પર ફોન કરી રાકેશ પાસે કેટલીક વખત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો.

ભરૂચ SOG એ હાલ અંકલેશ્વર રહેતા મૂળ બિહારના બન્ને આરોપીની મિક્ષ હેરોઇન, બે મોબાઈલ મળી કુલ રૂપિયા 11.72 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી. જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો.

બન્ને ડ્રગ પેડલર અંકલેશ્વરમાં વર્ષ 2022 માં યુનિયન બેન્કમાં 44 લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં ઝડપાઇ ચુક્યા છે. જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં પરત ફરી ડ્રગ પેડલર તરીકે સક્રિય થયા હોવાની વિગતો સામે આવી રહી છે. સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઇન ડ્રગ્સ ઝડપાવાનો પહેલો ગુનો પણ સામે આવ્યો છે.

Back to top button
error: Content is protected !!