AHAVADANG

ડાંગ જિલ્લામાં ૧૮ વર્ષની સેવા બાદ ઈ-ગ્રામ કર્મચારીઓને છૂટા કરાતા રોષ, DDOને આવેદનપત્ર આપી ન્યાયની માંગ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા ૧૮ વર્ષથી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત કાર્યરત કર્મચારીઓને અચાનક ફરજ મુક્ત કરવાના આદેશ અપાતા કર્મચારીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી પ્રસરી છે. આ અન્યાયી નિર્ણય સામે  જિલ્લાના તમામ ઈ-ગ્રામ કર્મચારીઓએ એકજૂથ થઈ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિતમાં આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા રજૂ કરી હતી.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, જિલ્લા અને તાલુકા કક્ષાએ TLE, મેનપાવર અને 15th FC CE/TA જેવી મહત્વની પોસ્ટ પર ફરજ બજાવતા આ કર્મચારીઓ છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત છે. ગ્રામ પંચાયત સ્તરે ડિજિટલ સેવાઓ, ઈ-ગવર્નન્સ, ઓનલાઈન પ્રમાણપત્રો આપવા જેવી કામગીરી ઉપરાંત ચૂંટણી અને આપત્તિ વ્યવસ્થાપન જેવી સરકારી જવાબદારીઓ પણ તેઓએ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આમ છતાં, તેમને અચાનક છૂટા કરવાનો પત્ર મળતા કર્મચારીઓના પરિવારના અસ્તિત્વ અને બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ફરજ પરથી મુક્ત કરવાની પ્રક્રિયા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે તથા કર્મચારીઓની લાંબી સેવા અને બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને ચાલુ રાખવા માટે ન્યાયસભર નીતિ બનાવવામાં આવે તથા  પરિવારની સ્થિરતાને ધ્યાનમાં રાખી માનવતા અને સહાનુભૂતિના ધોરણે નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે.કર્મચારીઓએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે જો તેમને આ રીતે દૂર કરવામાં આવશે તો તે માત્ર વ્યક્તિગત અન્યાય જ નહીં, પરંતુ સરકારની ડિજિટલ યોજનાઓની સતત અને અસરકારક કામગીરી માટે પણ મોટું નુકસાન સાબિત થશે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે શું વલણ અપનાવે છે..

Back to top button
error: Content is protected !!