
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા.25 જાન્યુઆરી : કચ્છના 2001ના ગોઝારા ભૂકંપમાં ગંભીર ઈજાઓ પામી કાયમી પથારીવશ થયેલા (પેરાપ્લેજીક) 52 દર્દીઓ આજે પણ ન્યાય માટે તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કોર્ટ કમિશનર, ગુજરાત રાજ્ય દ્વારા 22 ઓક્ટોબર 2024ના રોજ પેન્શન વધારાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હોવા છતાં મહિનાઓ વીતી ગયા છતાં આ લાચાર દર્દીઓને હજુ સુધી વધારાની રકમ મળી નથી.
– શું છે સમગ્ર મામલો?
2001ના ભૂકંપમાં 102 વ્યક્તિઓ ગંભીર ઈજાને કારણે પેરાપ્લેજીક (કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત) બન્યા હતા. વર્ષ 2002માં સરકાર દ્વારા 3 કરોડના સરદાર સરોવર બોન્ડના વ્યાજમાંથી 2000 રૂપિયા પેન્શન આપવાની શરૂઆત કરાઈ હતી. મોંઘવારીના આ યુગમાં વર્ષ 2014માં 12 વર્ષ બાદ માત્ર 500 અને 2021માં બીજા 500 રૂપિયાનો વધારો કરી હાલ માત્ર 3000 રૂપિયા પેન્શન અપાય છે. વર્તમાન સમયમાં દવા અને સારવારના ખર્ચ સામે આ રકમ અત્યંત નજીવી છે.
– કોર્ટનો આદેશ છતાં વિલંબ કેમ?
નવજીવન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ કોર્ટ કમિશનરે 90 દિવસમાં પેન્શન વધારીને 5000 રૂપિયા કરવાનો આદેશ કર્યો હતો. આ અંગે જિલ્લા કક્ષાએથી 11 ફેબ્રુઆરી 2025ના રોજ અમલીકરણ માટે પત્ર પણ પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. માર્ચ 2025માં મળેલી કમિટીની બેઠકમાં એવું આશ્વાસન અપાયું હતું કે વધારો એપ્રિલ-2025થી લાગુ પડશે. પરંતુ આજ સુધી આ 52 પૈકીના એકપણ દર્દીને વધારાની રકમ મળી નથી.
– જીવતા જાગતા માનવીઓ પ્રત્યે સંવેદના ક્યારે?
ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તંત્ર અને સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમો યોજાય છે પરંતુ ‘જીવતે જીવ મોત’ સમાન જિંદગી જીવતા 52 દર્દીઓની પીડા કોઈને દેખાતી નથી. આક્રોશ વ્યક્ત કરતા દર્દીઓએ જણાવ્યું કે “જ્યારે 2002માં પેન્શન શરૂ થયું ત્યારે સોનાનો ભાવ રૂ. 5000 હતો જે આજે 1.60 લાખને પાર છે. સરકારી કર્મચારીઓના પગારમાં અનેકગણો વધારો થયો છે તો અમારી વ્યાજબી માંગણી કેમ ટલ્લે ચડાવાય છે?”
સતત બેડરેસ્ટને કારણે યુરીન ઇન્ફેક્શન અને અસહ્ય શારીરિક પીડા ભોગવતા આ દર્દીઓ હવે પૂછી રહ્યા છે કે શું તંત્ર તેમના મૃત્યુ પછી જ જાગશે? નવજીવન મિત્ર મંડળના નીતાબેન પંચાલ અને જ્યોતિબેન સોલંકીએ વહેલામાં વહેલી તકે એપ્રિલ-2025થી બાકી રહેલા વધારા સાથે પેન્શન ચૂકવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
રજુઆતના અંતે કરસનદાસ માણેકની આ ગઝલ આજના સમયમાં પણ બંધ બેસે છે:
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે – કરસનદાસ માણેક
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે…
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે…
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે…
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે…
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે…
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે…
– કરસનદાસ માણેક



