GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં રાષ્ટ્રગીત “વંદે માતરમ@૧૫૦” ની બીજા તબક્કાની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાજ્ય સરકાર દ્વારા આયોજિત “વંદે માતરમ@૧૫૦” (ફેઝ-૨) અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું ભવ્ય અને સફળ આયોજન સંપન્ન થયું હતું. જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સમાન ધોરણે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, નવસારી-વિજલપોર સહિતની નગરપાલિકાઓમાં નગરપાલિકા પ્રમુખશ્રીઓ અને પોલીસ ભવન ખાતે જિલ્લા પોલીસ વડાશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા. આ તમામ સ્થળોએ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ એકી અવાજે રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના મૂળ સ્વરૂપનું સમુહગાન કરીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું અને સૌએ રાષ્ટ્રહિતમાં ‘સ્વદેશી’ અપનાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની યુનિવર્સિટીઓ, શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં પણ સમુહગાનના કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને કોલેજોમાં “વંદે માતરમ@૧૫૦” થીમ પર સેમિનાર, વકતૃત્વ સ્પર્ધાઓ અને ચર્ચાઓ યોજાઈ હતી, જેમાં યુવાનોએ હોંશેહોંશે ભાગ લીધો હતો. આ ઉપરાંત, થીમ આધારિત યુવા મેરેથોન અને ખેલો ઇન્ડિયા કાર્યક્રમ દરમિયાન પણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. જિલ્લાની સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને માય ભારત (My Bharat) ના સ્વયંસેવકોના સક્રિય સહયોગ અને બહોળા પ્રચાર-પ્રસારને લીધે નવસારી જિલ્લામાં આ રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

Back to top button
error: Content is protected !!