Rajkot: “આંતરરાષ્ટ્રીય યુવા દિન વિશેષ” ૮૫ ટકા દિવ્યાંગતા સામે ઝૂક્યા વિના વોટર સ્પોર્ટ્સમાં ઈતિહાસ રચતાં રાજકોટનાં સોનલબેન વસોયા

તા.૧૧/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : હેમાલી ભટ્ટ
એશિયન ચેમ્પિયનશિપ પેરા કેનોઈંગમાં બે મેડલ મેળવનાર ગુજરાતનાં પ્રથમ મહિલા ખેલાડી
‘ખેલ મહાકુંભ’થી શરૂ થયેલી સફરે રાજકોટના દીકરીને બનાવ્યાં ‘વોટર સ્પોર્ટ્સ ક્વીન’
પેરા કેનોઈંગ-કાયકિંગથી લઈને એથ્લેટિક્સ, વ્હીલચેર કબડ્ડી, લોન ટેનિસ, પાવરલિફ્ટિંગ અને ફેન્સિંગ સુધી સોનલબેનની શાનદાર સફર
Rajkot: આજે ૧૨ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વમાં ભારતની યુવાશક્તિ, સંકલ્પશક્તિ અને નેતૃત્વની નોંધ લેવાય રહી છે, ત્યારે આજે વાત રાજકોટ અને ગુજરાતના ગૌરવ એવા ‘વોટર સ્પોર્ટ્સ ક્વીન’ સોનલ વસોયાની….સોનલબેન દેશના યુવાનો માટે સાહસ, સંઘર્ષ અને પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યાં છે.
માત્ર ચાર વર્ષની નાની વયે ભારે તાવને કારણે સોનલબેને પોતાના બંને પગ ગુમાવ્યા અને તેઓ ૮૫ ટકા દિવ્યાંગ બન્યા હતા. પરંતુ દ્રઢ ઈચ્છાશક્તિ, સતત મહેનત અને અડગ આત્મવિશ્વાસના સથવારે તેમણે વોટર સ્પોર્ટ્સના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે તિરંગો લહેરાવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
વોટર સ્પોર્ટ્સમાં સતત બીજી વખત એશિયન ચેમ્પિયનશિપ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ’થી સોનલબેનના રમતગમત જીવનનો અધ્યાય શરૂ થયો હતો. ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે રમતગમતને જ પોતાની કારકિર્દી બનાવવાનો નિશ્ચય કર્યો. પેરા કેનોઈંગ-કાયકિંગ ઉપરાંત પેરા એથ્લેટિક્સ, પેરા વ્હીલચેર કબડ્ડી, પેરા લોન ટેનિસ, પેરા પાવરલિફ્ટિંગ અને પેરા ફેન્સિંગ સહિતની રમતોમાં પણ તેમણે પ્રતિભા સાબિત કરી છે.
થાઈલેન્ડના પટાયા ખાતે યોજાયેલી ‘પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ ૨૦૨૫’માં સોનલબેન વસોયાએ KL1 કેટેગરીની કાયકિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ સાથે તેઓ વોટર સ્પોર્ટ્સની એશિયન ચેમ્પિયનશિપમાં સતત બીજી વખત મેડલ જીતનાર ગુજરાતનાં પ્રથમ ખેલાડી બન્યાં છે.
આ અગાઉ વર્ષ ૨૦૨૪માં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલી એશિયન પેરા કેનોઈંગ ચેમ્પિયનશિપમાં તેમણે સિલ્વર મેડલ જીતીને ગુજરાત માટે નવો ઈતિહાસ રચ્યો હતો. વર્ષ ૨૦૧૦થી ૨૦૨૫ દરમિયાન જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે કુલ ૮૨ મેડલ જીત્યા છે.
પોતાની સફળતાનો શ્રેય સોનલબેન પેરા સ્પોર્ટ એસોસિયેશન અમદાવાદ, ગુજરાત કેનોઈંગ-કાયકિંગ એસોસિયેશન સુરત, યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, એસોસિયેશનના હોદ્દેદારો તેમજ તમામ કોચ, માર્ગદર્શકો અને સહયોગીઓને આપે છે.
સોનલબેને યુવાનોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “યુવાનોએ હંમેશા પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો મક્કમ મનોબળ અને યોગ્ય માર્ગદર્શન હોય, તો ગમે તે પડકારને પણ પાર કરી શકાય છે.”
ગુજરાતને બે આંતરરાષ્ટ્રીય અને પાંચ રાષ્ટ્રીય મેડલ અપાવનાર સોનલબેનનું આગામી લક્ષ્ય ભારત માટે પેરાલિમ્પિક્સમાં મેડલ જીતીને પોતાના સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું છે.
આંતરરાષ્ટ્રીય યુવા દિને સોનલબેન વસોયાની આ અસાધારણ સિદ્ધિ રાજ્ય અને દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા, પડકારો સામે અડગ રહેવા અને દેશનું નામ રોશન કરવા માટે નવી ઊર્જા અને પ્રેરણા પૂરી પાડે છે.
((બોક્સ મેટર))
સોનલબેનની સોનેરી સિદ્ધિઓ
વર્ષ ૨૦૨૪ — ટોક્યો, જાપાન
એશિયન પેરા કેનોઈંગ-કાયકિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાત માટે ઈતિહાસ રચ્યો.
વર્ષ ૨૦૨૫ — પટ્ટાયા, થાઈલેન્ડ
એશિયન પેરા કેનોઈંગ ચેમ્પિયનશિપમાં KL1 કેટેગરીની કાયકિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
દુબઈ અને નેપાળ
વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, દુબઈ અને સાઉથ એશિયન પેરા ગેમ્સ, નેપાળમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. વ્હીલચેર કબડ્ડીમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં યોગદાન આપ્યું.
વર્ષ ૨૦૧૦થી ૨૦૨૫ દરમિયાન જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ ૮૨ મેડલ





