KUTCHMUNDRA

મુંદરામાં મહિલા સશક્તિકરણનું નવું સોપાન : ૧૫ દિવસીય આત્મસુરક્ષા અને રાયફલ શૂટિંગ તાલીમ શિબિરનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરામાં મહિલા સશક્તિકરણનું નવું સોપાન : ૧૫ દિવસીય આત્મસુરક્ષા અને રાયફલ શૂટિંગ તાલીમ શિબિરનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો 

 

મુંદરા,તા.28: તાલુકાની દીકરીઓ અને મહિલાઓમાં આત્મરક્ષણ, નિર્ભયતા અને આત્મવિશ્વાસના ગુણો વિકસે તે હેતુથી એક વિશેષ આત્મસુરક્ષા તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. યશ ફાઉન્ડેશન (ધ્રબ) અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ (મુંદરા) દ્વારા આયોજિત આ ૧૫ દિવસીય શિબિરનો ગતરોજ ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો.

પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસના “સુરક્ષા સેતુ” પ્રોજેક્ટ હેઠળ અને N.M. સ્પોર્ટ્સ એજન્સીના સહયોગથી ૧૬ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી ચાલેલા આ સઘન અભિયાનમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ અને ૧૧૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ટ્રેનર વૈષ્ણવી પ્રજાપતિ અને સોલંકી સતિષભાઈ દ્વારા મુંદરાની વિવિધ શાળાઓ જેવી કે ઈદગાહ વાડી, કન્યા શાળા, આગાખાન સ્કૂલ, ગેલડા પંચાયતી પ્રાથમિક શાળા અને મહેશનગર પ્રાથમિક શાળામાં તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત હઝરત ઉમરશાહ બાવા વાડી ખાતે તમામ સમુદાયની ૮૦થી વધુ મહિલાઓ માટે ૧૫ કલાકની વ્યવહારિક તાલીમ અને રાયફલ શૂટિંગનો વિશેષ અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો.

પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સમાપન સમારોહમાં મુંદરા પી.આઈ. શ્રી એસ. એમ. રાણા સાહેબના માર્ગદર્શન સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હીત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીકરીઓ માટે વાડીની વ્યવસ્થા અને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તે આજના સમયની માંગ છે.

આ પ્રસંગે N. M. સ્પોર્ટ્સ એજન્સીના શ્રીમતી નિર્મલા મહેશ્વરી, પી.એસ.આઈ. દામોર સાહેબ અને જ્યોતિબેન જોષી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને મહાનુભાવો અને ટ્રસ્ટીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રેઈનર બહેનોનું પણ સાલ અને પુષ્પથી સન્માન કરવામાં આવ્યું હતું.

યશ ફાઉન્ડેશન ધ્રબના ટ્રસ્ટી સુલતાનભાઈ તુર્કએ તમામ તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ મુંદરા તાલુકાની દીકરીઓ માટે મહિલા ઉત્કર્ષ અને સુરક્ષાના આવા લોકહિતલક્ષી કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા સતત યોજવામાં આવશે. આ સફળ આયોજન બદલ તમામ સામાજિક કાર્યકરો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!