KUTCHMUNDRA

માનવતાનો વિજય: ૨૫ વર્ષથી અવિરત ચાલતી જન અપીલની પરંપરાએ અંજારના યુવાન માટે એકત્ર કર્યા લાખો રૂપિયા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

માનવતાનો વિજય: ૨૫ વર્ષથી અવિરત ચાલતી જન અપીલની પરંપરાએ અંજારના યુવાન માટે એકત્ર કર્યા લાખો રૂપિયા

 

રતાડીયા,તા.31: કચ્છના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ બનેલી શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજની ‘જાહેર અપીલ’ યોજનાએ ફરી એકવાર તેની સફળતા સાબિત કરી છે. અનશનવ્રતધારી અને જૈન સમાજરત્ન સ્વ. શ્રી તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી અને સંસ્થાના પ્રમુખ શ્રી જીગરભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ અંજારના ફેફસાંની ગંભીર બીમારીથી પીડાતા ચિ. યોગેશ મણશીભાઈ મહેશ્વરીના ઓપરેશન માટે જરૂરી રકમ એકત્ર કરી તેનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

છેલ્લા અઢી દાયકાથી કાર્યરત આ સેવાયજ્ઞ વિશે માહિતી આપતા શ્રી જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ પરિવાર મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવવા અસમર્થ હોય, ત્યારે સંસ્થા સૌપ્રથમ પોતાની રીતે ૨૫,૦૦૦/- ની સહાય જાહેર કરી વર્તમાનપત્રોમાં દાતાઓ માટે અપીલ પ્રસિદ્ધ કરે છે. અંજારના યોગેશભાઈના કિસ્સામાં ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ અને પ્રાથમિક પરિક્ષણ માટે અંદાજે ૫ લાખની તાતી જરૂરિયાત હતી. આર્થિક રીતે નબળા આ પરિવારની વહારે કચ્છ અને કચ્છ બહારની દાનવીર જનતા આવી હતી અને જોતજોતામાં જરૂરી રકમ એકત્ર થઈ ગઈ હતી.

સંસ્થાની પારદર્શિતા આ યોજનાની સફળતાનું મુખ્ય કારણ છે. રકમ એકત્ર થયા બાદ તુરંત જ વર્તમાનપત્રમાં આભારની સાથે ‘હવે દાન ન મોકલવા’ની જાહેરાત આપી દેવામાં આવે છે. આ પ્રસંગે શ્રી જીગરભાઈ છેડાના હસ્તે દર્દીના પિતાને સહાયનો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કેશવજીભાઈ રોશીયા, શ્રી દિનેશભાઈ માતંગ અને દર્દીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જીગરભાઈએ તમામ નામી-અનામી દાતાઓનો આભાર માનતા ઉમેર્યું હતું કે પિતાશ્રીએ રોપેલું આ સેવાવૃક્ષ આજે હજારો દર્દીઓ માટે જીવનદાતા સાબિત થઈ રહ્યું છે. એવું સંસ્થા વતી અંકિત ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!