
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના ગુંદવહળ ગામમાં એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના બની હતી,જેમાં એક ચાલુ દુકાનમાં રસોઈ બનાવતી વખતે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશ યોગેશભાઈ ભાસ્કરભાઈ પાલવાની માલિકીની આ દુકાનમાં દરરોજની જેમ કામકાજ ચાલી રહ્યું હતું, પરંતુ જમવાનું બનાવતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થિતિ કાબુ બહાર ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી દુકાનને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દેખાવા લાગ્યા હતા.આગ લાગવાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોએ પોતાની પાસે રહેલા પાણીના ટાંકા અને ડોલ વડે આગ બુઝાવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી સફળતા મળી નહોતી. ત્યારબાદ તાત્કાલિક સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરીના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમે સ્થળ પર પહોંચીને ગ્રામજનોના સહકારથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં દુકાનમાં રહેલી તમામ ખાદ્ય સામગ્રી, ફર્નિચર અને અન્ય કિંમતી સામાન બળીને કોલસો થઈ ગયો હતો.સદનસીબે, આ ભયાનક આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે. પરંતુ આ આકસ્મિક દુર્ઘટનામાં યોગેશભાઈ પાલવાને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ રસોઈ બનાવતી વખતે ગેસમાં થયેલ કોઈ ખામી હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા આ મામલે સચોટ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવાની અનિવાર્યતા પર ફરી એકવાર ભાર મૂક્યો છે..





