
વિજાપુરમાં રૂ.૧.૫૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપી ને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એસ એસ અજમેરી ની અદાલતમાં ચેક પરત નો કેસ ચાલી જતા જેમાં આરોપી શેખ મહંમદયુનુસ ઇબ્રાહીમભાઇને અદાલતે નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે.આ કેસની મળતી માહિતી મુજબ પિલવાઇ ગામના વિહોલ ગજેન્દ્ર સિંહે સાંથ બજાર માં રહેતા મહમદ યુનુસ શેખે રૂ.૧,૫૦,૦૦૦/-ની રકમ સામાજિક કામ માટે ઉધારરૂપે રકમ માગી હતી, જે ગજેન્દ્ર સિંહ વિહોલે એક સબંધી ના રૂપે આપેલ હતી. રકમ પરત ચૂકવવા માટે યુનુસ ભાઈ એ ભારતીય સ્ટેટ બેન્ક, વિજાપુર શાખાનો ચેક આપ્યો હતો.
જે સદર ચેક બેંક ઓફ ઈન્ડિયા, વિજાપુર શાખામાં જમા કરાવતા બેંક તરફથી ચેક “Exceed Arrangement”ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ ગજેન્દ્ર સિંહ વિહોલે ચેક પરતની ફરીયાદ નોંધાવી હતી. આ કેસ એસ એસ અજમેરી ની અદાલત માં ચાલતા આરોપી પક્ષના એડવોકેટ મોહમ્મદ હાશિમ સૈયદ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ થયેલા પુરાવાઓનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યા બાદ એડી. સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એસ. અજમેરીએ નોંધ્યું હતું કે આ મામલે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ–૧૩૮ મુજબ ગુનાનો પૂરતો આધાર સાબિત થતો નથી. આથી, અદાલતે આરોપીને બી.એન.એસ.એસ.ની કલમ–૨૭૮(૧) મુજબ નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ સાથે જ આરોપીને બી.એન.એસ.એસ.ની કલમ–૪૮૧ મુજબ અપીલ સમયગાળા પૂરતા રૂ.૧૦,૦૦૦/-ના જામીન રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.




