
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઉત્તર ડાંગ વન વિભાગ હેઠળ આવતી લવચાલી રેન્જના દહેર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ફેલાયેલો દીપડાનો ફફડાટ આખરે દૂર થયો છે.ગત ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે દહેર ગામના ધામડવિહિર ફળિયામાં એક અત્યંત દુખદ ઘટના બની હતી, જેમાં એક ૫ વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો.જે બાળકીને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.પરંતુ દીપડાનાં હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીએ આખરે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ છોડી દેતા પરિવારનાં માથે આભ તૂટી પડ્યુ હતુ.આ ઘટના બાદ ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ. મુરાલીલાલ મિણાનાં માર્ગદર્શન હેઠળ લવચાલી રેંજનાં આર. એફ.ઓ અર્ચનાબેન હિરેની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને જરૂરી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી દીપડાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.ઉત્તર ડાંગ વન વિભાગ આહવાનાં ડી.સી.એફ.મુરાલીલાલ મિણા તથા એ.સી.એફમાં પરેશભાઈ ગાયકવાડ અને રાહુલ પટેલનાં સતત માર્ગદર્શન હેઠળ લવચાલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અર્ચનાબેન હિરે અને તેમની ટીમ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે દહેર ગામની ચારે દિશાઓમાં કુલ ૬ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફના અથાક પ્રયત્નો બાદ, આજે તારીખ ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૬:૧૦ કલાકે એક માદા દીપડો પાંજરે પુરાયો હતો.આ દીપડો માહદુભાઈ મનસુભાઈ રાબડેની માલિકીના સર્વે નંબર-૧૫૯ વાળી જમીનમાં ગોઠવાયેલા પાંજરામાં કેદ થયો હતો.પશુચિકિત્સકના રિપોર્ટ મુજબ પકડાયેલ માદા દીપડાની ઉંમર અંદાજે ૪ વર્ષ જણાવવામાં આવી છે. આ સફળ કામગીરીમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોનો વન વિભાગને પૂરો સહકાર સાંપડ્યો હતો. હાલ આ દીપડાને લવચાલી રેન્જ કચેરી ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે..





