
ABC ફાયર એક્સ્ટિંગ્વિશર, ફોમ સ્પ્રે અને વોટર જેટના ઉપયોગનું પ્રત્યક્ષ નિદર્શન; એકલા હાથે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન
કોલેજના વિદ્યાર્થીઓ અને યુવતીઓએ તાલીમને અત્યંત ઉપયોગી ગણાવી ઉત્સાહભેર ભાગ લીધો
નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાંચ દિવસીય તાલીમ શિબિરના આજે બીજા દિવસે ફાયર સેફ્ટી અને ઈમરજન્સી રેસ્ક્યુ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નવસારીના ટાઉન હોલ ખાતે ચાલી રહેલી આ તાલીમમાં આજે તજજ્ઞો દ્વારા આગજની અને અકસ્માત સમયે બચાવ કામગીરીના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આજે લગભગ ૪૦૦ જેટલા તાલીમાર્થીઓ લુન્સીકુઈ ખાતે આવેલા મોડેલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આગના બનાવો સમયે કેવી રીતે બચાવ કરવો તે પ્રત્યક્ષ અનુભવ આધારિત જ્ઞાન મેળવ્યું હતું.
તાલીમના બીજા સત્રમાં ફાયર એક્સપર્ટ્સ દ્વારા તાલીમાર્થીઓને આગ લાગે ત્યારે હાથ ધરવાના પ્રાથમિક ઓપરેશન્સ (Basic Operations) વિશે સમજ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ABC ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો, આગના પ્રકાર મુજબ ફોમ સ્પ્રે (Foam Spray) નો ઉપયોગ અને ભીષણ આગ સમયે વોટર જેટ (Water Jet) ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, કોઈ પણ દુર્ઘટનામાં જ્યારે વ્યક્તિ એકલી હોય, ત્યારે પોતાની અને ઈજાગ્રસ્ત વ્યક્તિની સુરક્ષા કેવી રીતે કરવી તે અંગેની મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને વધુ ઈજા ન પહોંચે તે રીતે કઈ રીતે હેન્ડલ કરવા અને સલામત સ્થળે ખસેડવા તે અંગેના ‘બેઝિક રેસ્ક્યુ ગાઈડ’ વિશે નિષ્ણાતોએ વિસ્તૃત માહિતી આપી હતી.
આજના સત્રમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તાલીમ બાદ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ તાલીમ તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે અને કટોકટીના સમયમાં આત્મવિશ્વાસ સાથે કામ કરવાની પ્રેરણા મળી છે.






