ભરૂચ નજીક કેમાંતૂર કંપની પાસે હિટ એન્ડ રન: અજાણ્યા વાહને એક્ટિવાસવાર 2 લોકોને ઉલાળ્યાં, એકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત, બીજાને સિવિલ ખસેડાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર નજીક આવેલા કેમાંતૂર કંપની પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હલદરવા પાટિયા અને નર્મદા કેમાંતૂર કંપની વચ્ચેના માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા પર સવાર 2 વ્યક્તિઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
એક્ટિવાસવારને વાહને ટક્કર મારી
મળતી માહિતી મુજબ, એક્ટિવા પર પસાર થઈ રહેલા બે વ્યક્તિઓને પૂરઝડપે આવતા અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
લોકોના ટોળેટોળા
અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, ફરાર વાહન ચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.




