રાજ્ય સરકારે લીધો અગત્યનો નિર્ણય આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂરી એવા આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર હોય છે. જે તમામ પ્રમાણપત્રો 1 એપ્રિલથી ઓનલાઈન મળી જશે. પ્રમાણપત્રો ઓનલાઈન મળી જતા 80 લાખ લોકોને સીધો ફાયદો થશે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર હોય છે. આ પ્રમાણપત્રો માટે સરકારી કચેરીમાં મોટી લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. જેને લઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી પ્રમાણપત્રો માટે લાઈનમાં ઉભું ન રહેવું પડે તે માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને ફેસલેસ બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે 70 થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે. તેમજ આ લોકોએ અલગ-અલગ કચેરીઓમાં દોડવું નહી પડે.
આગામી તા. 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઈન મળશે. કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.




