AHAVADANGGUJARAT

આહવા-શિવઘાટ પાસે દીપડાએ બાઈક ચાલક પર ધોળા દિવસે જીવલેણ હુમલો: માર્ગ પરથી પસાર થતાં લોકોમાં ભયનું માહોલ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

 

આહવાનાં શિવઘાટનાં માર્ગમાં શીલા(પથ્થર) પર ધોળા દિવસે દીપડો બેસલ જોવા મળતા રાહદારી વાહન ચાલકોએ વીડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાયરલ કર્યા..

પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો અને માનવીઓ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ વધી રહી છે.તાજેતરમાં ડાંગના મુખ્ય મથક આહવા પાસે આવેલા પ્રખ્યાત શિવઘાટ માર્ગ પર દીપડાએ એક બાઈક ચાલક પર ઓચિંતો હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે.આ હુમલાને પગલે સ્થાનિક રહીશો અને પ્રવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી વિગતો અનુસાર, આહવાની સનસેટ કોલોનીમાં રહેતા ૩૬ વર્ષીય દેવેન્દ્રભાઈ આર.ભગરિયા પોતાની બાઈક લઈને શિવઘાટ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન માર્ગની બાજુમાં આવેલી ઝાડીઓમાં શિકારની ફિરાકમાં છુપાઈને બેઠેલા દીપડાએ અચાનક દેવેન્દ્રભાઈ પર તરાપ મારી હતી. દીપડાના આ આક્રમક હુમલામાં યુવકને શરીરે ઇજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ દીપડો તુરંત જ શિવઘાટના ઉપરના ભાગે આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો.નવાઈની વાત તો એ છે કે, આ ઘટનાના થોડા સમય પહેલાં જ સવારે અંદાજે ૯:૧૫ કલાકે આ દીપડો શિવઘાટ પાસે એક શીલા (પથ્થર) પર બેસીને આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. ત્યાંથી પસાર થતા અનેક વાહનચાલકોએ દીપડાને ધોળા દિવસે રસ્તાની નજીક જોઈ તેના વીડિયો પણ મોબાઈલમાં કેદ કર્યા હતા.વન્યજીવ આ રીતે માનવ વસાહત અને મુખ્ય માર્ગની આટલી નજીક જોવા મળતા પ્રવાસીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.દીપડાના પંજા વાગવાથી લોહીલુહાણ થયેલા દેવેન્દ્રભાઈને તાત્કાલિક અસરથી આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ હોસ્પિટલના વોર્ડ નંબર ૧૨૫માં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ આ ઘટનાએ વન વિભાગની ચિંતામાં વધારો કર્યો છે.ઘટનાની જાણ થતા જ આહવા પશ્ચિમ રેન્જનાં આર.એફ.ઓ વિનય પવાર અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા લેવાયેલા દીપડાના પગમાર્ક અને તેની ગતિવિધિ જાણવા માટે વિસ્તારની તપાસ હાથ ધરી છે.શિવઘાટ વિસ્તારમાં વન વિભાગની ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.વન વિભાગે સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને આ માર્ગ પરથી પસાર થતી વખતે અત્યંત સાવચેત રહેવા અને મોડી રાત્રે કે વહેલી સવારે એકલ-દોકલ અવરજવર ન કરવા અપીલ કરી છે.ડાંગના જંગલોમાં દીપડાની વધતી જતી સક્રિયતાને કારણે હવે લોકોમાં એ માંગ ઉઠી રહી છે કે માનવ સુરક્ષા માટે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા સહિતના કડક પગલાં લેવામાં આવે..

Back to top button
error: Content is protected !!