AHAVADANGGUJARAT

ડાંગનાં સિંગાણા ખાતે યોજાયેલા યંગ સાયન્સ લીડર પ્રોગ્રામમાં ગારખડી પ્રાથમિક શાળા જિલ્લામાં પ્રથમ ક્રમે…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સરહદ પર દેશની સુરક્ષા કરતા સૈનિકોની રક્ષા કાજે ડાંગના નાના ભૂલકાઓએ રજૂ કરેલો વૈજ્ઞાનિક વિચાર આજે સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ડાંગનાં સિંગાણા ખાતે યોજાયેલા ‘યંગ સાયન્સ લીડર પ્રોગ્રામ’માં ગારખડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિજ્ઞાન મોડલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે.ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, સિંગાણા ખાતે પ્રોજેક્ટ ‘સંકલ્પ’ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ,એલ.ટી.આઈ. માઈન્ટ્રી (LTIMindtree),જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, ડાંગ,અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ જોડાઈ હતી.આ વિજ્ઞાન મેળામાં ડાંગ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજે ૫૦ જેટલી વિજ્ઞાન આધારિત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.આ પ્રદર્શનની ખાસિયત એ હતી કે આજુબાજુની વિવિધ શાળાઓના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તેની મુલાકાત લીધી હતી. ગ્રામીણ વિસ્તારના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગે અને તેમની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય તેવો માહોલ અહીં જોવા મળ્યો હતો.સ્પર્ધામાં ગારખડી પ્રાથમિક શાળાની કૃતિ “Smart Land mines for army security” એ પોતાની નવીનતા અને ઉપયોગિતાને કારણે નિર્ણાયકોનું દિલ જીતી લીધું હતું અને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.આ મોડલ દ્વારા સૈન્ય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની સચોટ સમજૂતી આપવામાં આવી હતી.આ ભવ્ય સિદ્ધિ બદલ ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.ગારખડી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ચિંતન પટેલે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે:”આ સફળતા પાછળ બાળકોની અતૂટ જિજ્ઞાસા, નવીન વિચારશક્તિ અને શિક્ષકોનું માર્ગદર્શન જવાબદાર છે. ટીમવર્ક અને પ્રયોગાત્મક અભ્યાસ દ્વારા બાળકોએ જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે.”આ કાર્યક્રમે ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે..

Back to top button
error: Content is protected !!