
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે દહેર ગામ પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી..
ડાંગ જિલ્લામાં ગત તાં. ૨૬ જાન્યુઆરીના રોજ ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગના લવચાલી રેન્જના દહેર ગામમાં ધામડવિહિર ફળિયામાં ૫ વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે બાળકીનું તાં.૨૯ તારીખના રોજ વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મોતના કમનસીબ બનાવને પગલે, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત તથા સ્થાનિક ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારની જાત મુલાકાત લઈ, તેમના પ્રત્યે રાજ્ય સરકારની સંવેદના પ્રગટ કરી હતી.
વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનનાર પાંચ વર્ષિય બાળકી નામે રિયાબેન કનેશભાઈ સાલકરના દાદી તેમજ માતા -પિતાને રાજ્ય સરકાર વતી રૂ.દસ લાખનો ચેક અર્પણ કરતા પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, મૃતક બાળકની ખોટ તો ના પૂરી શકાય, પરંતુ અસરગ્રસ્ત પરિવારને આર્થિક સધિયારો પૂરો પાડી તેમની પડખે રહી શકાય તેવા વન વિભાગ, વહીવટી તંત્ર, અને રાજ્ય સરકારનો આ સ્તુત્ય પ્રયાસ છે તેમ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લવચાલી રેંજના આર.એફ.ઓ અર્ચનાબેન હિરાના માર્ગદર્શન હેઠળ વનવિભાગ દ્વારા દીપડાને પાંજરામા પુરવા માટે ૬ પીજરા તેમજ ૮ ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યાં હતાં. જેમાં દીપડો પાંજરે પુરાયો હતો. આ સાથે જ વન્ય પ્રાણીઓના હુમલાઓના કારણે ગ્રામજનોને સાવચેત રહેવાની અપીલ કરતા આ જનપ્રતિનિધિઓએ, વન વિભાગના પ્રયાસોમાં સૌને સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો વન્ય પ્રાણીઓ બાબતે જાગૃત થાય તે માટે કાર્યક્રમો દ્વારા લોકોને જાણકારી આપવામાં આપવામાં આવે છે. તેમજ દહેર ગામે બનેલ બનાવના પગલે સ્થાનિક લોકોએ પણ વન વિભાગને ખુબ સહયોગ આપ્યો જે બાબતે તેઓએ લોકોનો આભાર વ્યક્તિ કર્યો હતો.
દહેર ખાતે અસરગ્રસ્ત પરિવારની પ્રભારી મંત્રીશ્રીની આ મુલાકાત વેળા અગ્રણી કાર્યકરો સર્વશ્રી વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, શ્રી રાજેશભાઈ ગામિત, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીણા, વન અધિકારીઓ સહિત સંબંધિતો ઉપસ્થિત રહ્યા હતા.





