
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારને આડેહાથ લીધી.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન વઘઈના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે આજે ગુજરાત કૉંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં “જન આક્રોશ યાત્રા-પરિવર્તનનો શંખનાદ” રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં જનમેદનીને સંબોધતા અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા છેલ્લા ત્રણ દાયકાના એકચક્રી શાસનથી હવે કંટાળી ગઈ છે.આજે રાજ્યનો સામાન્ય નાગરિક આસમાને પહોંચેલી મોંઘવારી અને શિક્ષિત યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.સરકાર લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં અને મકાન પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે અને જનતાને માત્ર વિવિધ યોજનાઓની લાંબી લાઇનોમાં ઉભા રાખીને હેરાન કરવામાં આવી રહી છે. તેમણે મતાધિકાર જેવા બંધારણીય હક્કો પર પણ તરાપ મારવા માટે સરકાર દ્વારા ષડયંત્રો થતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.અમિત ચાવડાએ રાજ્યમાં વ્યાપેલી સામાજિક બદીઓ અને ભ્રષ્ટાચાર અંગે બોલતા કહ્યું કે, દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર કારોબારને કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને સરકાર આ મામલે મૌન સેવી રહી છે. સરકારી વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે જનતાના કામો થતા નથી.ખાસ કરીને આદિવાસી વિસ્તારોના પ્રશ્નો અંગે સરકારની નીતિઓની ટીકા કરતા તેમણે જણાવ્યું કે, પાર-તાપી લિંક પ્રોજેક્ટ, ભારતમાલા હાઈવે, ઝીંક ખનન અને ઉકાઈ ડેમ ફ્લોટિંગ સોલાર જેવા પ્રોજેક્ટ્સના નામે આદિવાસીઓના પવિત્ર ‘જળ, જંગલ અને જમીન’ પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. જંગલ જમીનના હજારો દાવાઓ વહીવટી તંત્રમાં પેન્ડિંગ હોવા છતાં તેનું નિરાકરણ લાવવાને બદલે સરકાર આદિવાસીઓની જમીનો છીનવીને મોટા ઉદ્યોગપતિઓને પધરાવી રહી છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.શિક્ષણ અને રોજગારીના કથળતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ મર્જ કરવાના નામે બંધ કરવામાં આવી રહી છે અને મનરેગા જેવી યોજનાઓમાં મજૂરોને મળતો રોજગાર સતત ઘટી રહ્યો છે. તેમણે શહેરોમાં થતી બુલડોઝરની કાર્યવાહી અને ગરીબ મજૂરોના શોષણને પણ અમાનવીય ગણાવ્યું હતું. સભાના અંતે તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને પોતાના હક્ક અને અધિકારોના રક્ષણ માટે ‘જન આક્રોશ યાત્રા’ સાથે જોડાઈને આગામી સમયમાં પરિવર્તન લાવવા માટે હાકલ કરી હતી.આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીનિવાસ બી.વી., ડો. તુષાર ચૌધરી, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, માજી સાંસદ કિશન પટેલ, જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરે, ગુજરાત આદિવાસી કોંગ્રેસ પ્રમુખ રાજુ પારઘી અને મહામંત્રી સંદીપ માંગરોલા જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.આ સાથે જ સ્થાનિક અગ્રણીઓ ગૌતમભાઈ પટેલ, તબરેઝ અહેમદ (બબ્બુ), સૂર્યકાંત ગાવિત, મુકેશ પટેલ અને યુવા નેતા તુષાર કામડી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન કર્યું હતુ..







