Rajkot: ૧૨ વર્ષ આર્થિક સદ્ધરતા, આત્મનિર્ભરતા અને સામાજિક સશક્તિકરણના, રાજકોટ જિલ્લા-ગ્રામ્યની ૨૮ હજારથી વધુ નારીશક્તિ ‘લખપતિ દીદી’ બની

તા.૧૨/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
સ્વસહાય જૂથો સાથે જોડાયેલી આ મહિલાઓના પરિવારની વાર્ષિક આવક રૂ. એક લાખથી વધુ
Rajkot: દેશના અર્થતંત્રના પાયાને મજબૂત કરવા માટે મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બને તે આજના સમયની જરૂરિયાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષો દરમિયાન કેન્દ્ર સરકાર નારીશક્તિને પ્રગતિના મુખ્ય પ્રવાહમાં લાવી રહી છે. સ્વચ્છ ભારત મિશન, ઉજ્જવલા યોજના, પી.એમ. આવાસ અને બેટી બચાઓ, બેટી પઢાઓ જેવી કલ્યાણકારી યોજનાઓ થકી નારીશક્તિને સહયોગ આપવામાં આવ્યો છે. નારી ગૌરવના આ જ વિઝનને આગળ ધપાવતા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી ‘લખપતિ દીદી યોજના’ આજે ગ્રામીણ મહિલાઓની આર્થિક સદ્ધરતા, આત્મનિર્ભરતા અને સામાજિક સશક્તિકરણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે.
રાજકોટ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ. કે. વસ્તાણીના માર્ગદર્શન હેઠળ અનેક મહિલાઓ આત્મનિર્ભરતાના પંથે આગળ વધી રહી છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં વિવિધ સ્વ-સહાય જૂથો હેઠળ કાર્યરત ૨૮,૨૯૧ જેટલી બહેનો ‘લખપતિ દીદી’ બની છે. આ તમામ મહિલાઓના પરિવારની વાર્ષિક આવક રૂ. એક લાખથી વધુની રકમ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે આ મહિલાઓ ‘લખપતિ દીદી’નું બિરુદ મેળવી અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બની છે. મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા એ વાતની સાક્ષી પૂરે છે કે, જ્યારે નારીશક્તિને તક અને પ્રોત્સાહન મળે છે, ત્યારે તેઓ સમગ્ર પરિવાર અને સમાજના ઉત્થાનનું નિમિત્ત બને છે. આમ, ‘લખપતિ દીદી યોજના’ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપી રહી છે.
ગુજરાતમાં ૫.૯૬ લાખ લખપતિ દીદી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં ૧૦ લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી છે, જેમાંથી ૫.૯૬ લાખ મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલા કેન્દ્રિત વિકાસની વધતી શક્તિ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે.
લખપતિ દીદી યોજના
મહિલાઓના જીવનમાં આર્થિક ઉજાસ પાથરતી ‘લખપતિ દીદી’ યોજના ભારત સરકારના ‘દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ (DAY-NRLM) અંતર્ગત ચાલતો કાર્યક્રમ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત આ યોજનાનો હેતુ ગામડાઓમાં વસતી મહિલાઓને સંગઠિત કરી, તેઓની સુષુપ્ત આવડતને બહાર લાવી આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ નાણાકીય રીતે પગભર થાય તે માટે તેમને પ્રોફેશનલ બિઝનેસ તાલીમ, ક્રેડિટ સપોર્ટ (ધિરાણ) અને ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ માળખાકીય સહાયના પરિણામે સ્વ-સહાય જૂથોની જે મહિલાઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. એક લાખને પાર થઈ જાય છે, તેમને ‘લખપતિ દીદી’ તરીકે ઓળખવામાં આવે છે.


