Rajkot: વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરીમાં નિયુક્ત શિક્ષકોને “ઓન-ડ્યુટી”નો લાભ આપવા રજૂઆત

તા.૧૨/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (વિદ્યાલય શિક્ષા), જિલ્લા રાજકોટ દ્વારા ભારતની વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરી દરમિયાન નિયુક્ત શિક્ષકો અને કર્મચારીઓને “ઓન-ડ્યુટી”નો લાભ આપવામાં આવે તેવી માંગ સાથે અધિક જિલ્લા વસ્તી ગણતરી અધિકારી તથા નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) શ્રી સુશીલ પરમાર સાહેબને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.

મહાસંઘ દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતની વસ્તી ગણતરી રાષ્ટ્રની અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદારીસભર કામગીરી છે. રાજકોટ જિલ્લાના અનેક શિક્ષકોને ગણતરીદાર તથા સુપરવાઇઝર તરીકે નિમણૂક આપવામાં આવી છે. શિક્ષકોને શાળાની નિયમિત શૈક્ષણિક અને વહીવટી ફરજો ઉપરાંત વસ્તી ગણતરી સંબંધિત ઘર-ઘર મુલાકાત, માહિતી સંકલન, ડિજિટલ એન્ટ્રી સહિતની કામગીરી પણ કરવાની હોવાથી તેમના પર વધારાનો કાર્યબોજ સર્જાઈ રહ્યો છે.
વર્તમાન સમયમાં ઉનાળાની ગરમી, લાંબા અંતરની મુસાફરી અને ક્ષેત્રકાર્યની પડકારજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીની કામગીરીના દિવસોમાં સંબંધિત શિક્ષકો અને કર્મચારીઓને “ઓન-ડ્યુટી”નો લાભ આપવામાં આવે તો તેઓ વધુ સુગમતાથી, સંપૂર્ણ સમય ફાળવી અને ગુણવત્તાપૂર્વક કામગીરી પૂર્ણ કરી શકશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
અધિક જિલ્લા વસ્તી ગણતરી અધિકારી શ્રી સુશીલ પરમાર સાહેબે રજૂઆતને ધીરજપૂર્વક સાંભળી હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લા રાજકોટના સંજયભાઈ હુંબલ, અરવિંદસિંહ ઝાલા, હેમેનભાઈ કોઠારી, દીપકભાઈ નાગ્રેચા, હિતેશભાઈ ભંડેરી, મનીષભાઈ કાલરીયા, કેતનભાઈ નકુમ, રવિભાઈ લશ્કરી તથા સાગરભાઈ પોપટ ઉપસ્થિત રહ્યા હતા.


