CHHOTA UDAIPUR CITY / TALUKO

છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા સરપંચો સાથે વ્હાલી દીકરી યોજના જાગૃતિ સંવાદ યોજાયો.

મુકેશ પરમાર,, નસવાડી

છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તથા તેમના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં રહેલી “વ્હાલી દીકરી યોજના” અંગે મહિલા સરપંચો સાથે સહાયતા ઝુંબેશ અને યોજનાકીય જાગૃતિ સંવાદનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. સેમીનારમાં છોટાઉદેપુર, કવાંટ અને જેતપુર પાવી તાલુકાની કુલ ૮૭ મહિલા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખશ્રી માલકાબેન દ્વારા દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી જણાવ્યું કે “દીકરી શિક્ષિત થશે તો પરિવાર અને સમાજ બંને પ્રગતિ કરશે.” તેમણે દરેક પાત્ર દીકરીના વ્હાલી દીકરી યોજનાના ફોર્મ ભરાય તે સુનિશ્ચિત કરવા અને ગામડાના દરેક વાલી સુધી યોજનાની માહિતી પહોંચાડવા અપીલ કરી હતી.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સેજલબેન સંગાડા દ્વારા પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે PPT દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હીનાબેન ચૌધરીએ વ્હાલી દીકરી યોજનાના લાભો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી. સાથે સાથે દીકરીઓની સુરક્ષા, બાળવિવાહ રોકથામ અને અધિકારો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.સી. કાસેલા દ્વારા બાળલગ્ન અટકાવવા તથા નશામુક્તિ અભિયાન અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દીકરીઓને સમાન શિક્ષણ અને અવસર આપવા પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચોને માહિતી સામગ્રી, કેલેન્ડર અને અન્ય IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.  આ કાર્યક્રમમાં કારોબારી અધ્યક્ષશ્રી શર્મિલાબને રાઠવા, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેનશ્રી કોમલબેન રાઠવા, સહાયક માહિતી નિયામકશ્રી માર્ગી રાજપુત, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી છોટાઉદેપુર સહીત પદાધિકારીશ્રી અધિકારીશ્રી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!