MEHSANAVIJAPUR

વિજાપુરની આર. આર. એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં ‘ભારતીય જ્ઞાન પરંપરા’ વિષયક રાજ્યસ્તરીય સેમિનાર

વિજાપુરની આર. આર. એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં ‘ભારતીય જ્ઞાન પરંપરા’ વિષયક રાજ્યસ્તરીય સેમિનાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્થિત શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં કે.સી.જી. અનુદાનિત “ભારતીય જ્ઞાન પરંપરા” વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી આવેલા અધ્યાપકો, સંશોધકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સેમિનારના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે રજીસ્ટ્રાર રોહિતભાઈ દેસાઈ, પ્રમુખ ટ્રસ્ટી અશોકભાઈ પટેલ તથા કી-નોટ સ્પીકર ડૉ. શ્રુતિબહેન કિકાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમના કરકમળોથી સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કી-નોટ ભાષણમાં ડૉ. શ્રુતિબહેન કિકાણીએ “ક્લાસિકલ ઇન્ડિયન વિઝડમ ફોર ફ્યુચરિસ્ટિક સોસાયટી” વિષય પર માર્ગદર્શન આપી ભારતીય જ્ઞાન પરંપરાની વૈશ્વિક સ્તરે મહત્તા અને આધુનિક સમાજ માટેની ઉપયોગિતાને રેખાંકિત કરી હતી.
સંસ્કૃત વિષયના વિદ્વાન ડૉ. રવિન્દ્ર ખાંડવાલાએ ભારતીય જ્ઞાન પરંપરાના ચાર ભાવસ્તંભો — મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા — વિષય પર વિસ્તૃત ચર્ચા કરી હતી. અંગ્રેજી વિષયના તજજ્ઞ ડૉ. કમલ દવેએ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા રસ થિયરીને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી હતી. જ્યારે ગુજરાતી ભાષાના વિદ્વાન ડૉ. ઉત્પલ પટેલે મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાની ચર્ચા કરીને શ્રોતાઓને સમૃદ્ધ માહિતી પૂરી પાડી હતી.
આચાર્ય સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત અને કે.સી.જી. દ્વારા અનુદાનિત આ સેમિનારના આયોજનમાં કોઓર્ડિનેટર તરીકે ડૉ. જે. એમ. પટેલ, ડૉ. જે. કે. વોરા તેમજ સમગ્ર સ્ટાફમિત્રોએ મહત્વનો સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ. એમ. એચ. કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે આભારવિધિ ડૉ. પી. આર. પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. સેમિનારથી ઉપસ્થિત સૌને ભારતીય જ્ઞાન પરંપરા અંગે ઊંડું અને માર્ગદર્શક જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

Back to top button
error: Content is protected !!