
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા તાલુકાના દરિયાકાંઠાના ૧૬ ગામોની આશા બહેનો માટે કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ શિબિર યોજાઈ
મુંદરા :
રિલાયન્સ ફાઉન્ડેશન (મુંબઈ), ઉન્નતિ સંસ્થા (અમદાવાદ) અને તાલુકા હેલ્થ ઓફિસ મુંદરાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મુંદરા તાલુકા હેલ્થ ઓફિસના હોલ ખાતે કુદરતી આપત્તિ વખતે જાહેર આરોગ્ય ક્ષેત્રે આવતા જોખમો અને તેના વ્યવસ્થાપન માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મુંદરા તાલુકાના દરિયાકાંઠાના ૧૬ ગામોની આશા બહેનોને કુદરતી આફતોની પૂર્વ તૈયારી, આપત્તિ સમયે અને આપત્તિ બાદ રાખવામાં આવતી કાળજી અંગે સજ્જ કરવામાં આવી હતી જેથી તેઓ ગામમાં એક કુશળ ટ્રેનરની ભૂમિકા ભજવી લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકે. તાલીમ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ તેના વિકલ્પો અને આપત્તિ સમયે બાળકો તેમજ સગર્ભા માતાઓને અગ્રતાના ધોરણે સલામત સ્થળે કે દવાખાના સુધી સમયસર પહોંચાડવાની અગત્યતા સમજાવવામાં આવી હતી. આ તબક્કે આશા બહેનોએ ૧૯૯૮નું વાવાઝોડું, ૨૦૦૧નો ભૂકંપ અને ૨૦૨૪ના ‘બિપરજોય’ વાવાઝોડા સમયના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા અને જણાવ્યું હતું કે પૂર્વ તૈયારીઓને કારણે જ લોકોનો વિશ્વાસ અને સન્માન પ્રાપ્ત કરી શકાયું છે.
વધુમાં તાલીમમાં હાથ ધોવાની ‘સુમંક’ પદ્ધતિના છ સ્ટેપ, મહિલાઓને લગતી આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ અને આપત્તિ સમયે પીવાલાયક શુદ્ધ પાણી મેળવવા જેવી પાયાની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોએ અપીલ કરી હતી કે આગામી ૧૧ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત ‘જનજાગૃતિ અભિયાન રથ’ દરિયાકાંઠાના ૧૬ ગામોમાં ભ્રમણ કરશે જેનો ગ્રામજનોએ સ્વચ્છતા અને આરોગ્યની જાગૃતિ માટે મહત્તમ લાભ લેવો. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમમાં સહભાગી થયેલ તમામ આશા બહેનો માટે ભોજન-નાસ્તાની સુંદર વ્યવસ્થા તેમજ આવવા-જવાના ભથ્થું રોકડમાં આપવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમનું આયોજન રિલાયન્સ ફાઉન્ડેશનના ફયાઝભાઈ એસ. બારેજીયાના માર્ગદર્શન હેઠળ ઉન્નતિ સંસ્થાના હેતલબા વાઘેલાએ સંભાળ્યું હતું. ટ્રેનર તરીકે રિસોર્સ પર્સન હિરલબેન દહીંસરિયાએ સેવા આપી હતી. જ્યારે અંતમાં હેલ્થ સુપરવાઇઝર ઝવેરભાઈ નાથાણીએ વાહકજન્ય રોગો અને પોરાનાશક કામગીરીની સમજ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.






વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



