વિદેશી નોકરી અને ઝડપી વિઝાની લાલચ આપતી ફેક એજન્સીઓથી સાવધાન: સાયબર તજ્જ્ઞોની ચેતવણી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધતી જતી માંગનો ગેરફાયદો ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો ફેક વિઝા એજન્સીઓ ઉભી કરીને નિર્દોષ નાગરિકોને છેતરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાયબર તજ્જ્ઞો અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ખાસ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ફેક વિઝા એજન્સીઓ પોતાને કાયદેસરના અને અધિકૃત વિઝા સર્વિસ પ્રોવાઇડર તરીકે રજૂ કરે છે. સોશિયલ મીડિયા, આકર્ષક વેબસાઇટ્સ અને ઓફિસના ભવ્ય સેટઅપ દ્વારા તેઓ વિશ્વાસ ઉભો કરે છે. અરજદારોને ‘ઝડપી વિઝા’, ‘૧૦૦ ટકા ગેરંટી’, ‘નિશ્ચિત નોકરી’ જેવી લલચામણી ઓફરો આપી તેઓને જાળમાં ફસાવવામાં આવે છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અપફ્રન્ટ પેમેન્ટ સ્કેમ સૌથી સામાન્ય રીત છે. વિઝા પ્રક્રિયાના નામે મોટી રકમ એડવાન્સ તરીકે વસૂલવામાં આવે છે અને પછી એજન્સી સંપર્કથી બહાર થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં નકલી ઓફર લેટર, ખોટા દસ્તાવેજો અને નકલી વિઝા સ્ટિકર પણ તૈયાર કરીને અરજદારોને આપતા હોવાના બનાવો સામે આવ્યા છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વિદેશ પહોંચતા જ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકે છે.
વિદેશમાં નોકરી અપાવવાના બહાને ફી વસૂલવી, ખોટી કંપનીઓના ઓફર લેટર આપવી, તથા વ્યક્તિગત અને નાણાકીય માહિતી મેળવી તેનો દુરુપયોગ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. બેંક ખાતાની વિગતો, પાસપોર્ટની નકલ અને ઓટીપી જેવી સંવેદનશીલ માહિતી મેળવી ઠગાઈ કરવામાં આવે છે.
સાયબર તજ્જ્ઞો ચેતવણી આપે છે કે જો કોઈ એજન્સી કામ પૂર્ણ થયા પહેલાં જ સંપૂર્ણ ફી ભરવા દબાણ કરે, ખૂબ ટૂંકા સમયમાં વિઝા અપાવવાની ગેરંટી આપે, નિર્ણય માટે સતત માનસિક દબાણ બનાવે અથવા કાયદેસર લાયસન્સ અને રજીસ્ટ્રેશનનો પુરાવો ન આપી શકે, તો તે સંકેત છે કે એજન્સી શંકાસ્પદ હોઈ શકે છે. આવી સ્થિતિમાં અરજદારે તરત જ સાવધાન થવું જોઈએ.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જનજાગૃતિ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં નીચેના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે:
• એજન્સી પાસે વિઝા કામગીરી માટે સત્તાવાર મંજૂરી અને માન્ય લાયસન્સ છે કે નહીં તેની તપાસ કરવી.
• શક્ય હોય ત્યાં સુધી સંબંધિત દેશના દૂતાવાસ અથવા અધિકૃત વિઝા એપ્લિકેશન સેન્ટરનો સીધો સંપર્ક કરવો.
• ‘વિઝા ગેરંટી’ જેવી લલચામણી જાહેરાતોથી દૂર રહેવું.
• નાણાકીય વ્યવહાર માટે સુરક્ષિત અને ટ્રેસેબલ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરવો તથા સત્તાવાર રસીદ મેળવવી.
• સોશિયલ મીડિયા પર મળતી ઓફરોની વિશ્વસનીયતા ચકાસ્યા વગર કોઈ દસ્તાવેજ કે રકમ ન મોકલવી.
વિઝા સંબંધિત માહિતી માટે હંમેશાં સંબંધિત દેશની સત્તાવાર વેબસાઇટ અથવા દૂતાવાસની વેબસાઇટનો જ આધાર લેવો હિતાવહ છે. અજાણ્યા એજન્ટો, મેસેજિંગ એપ દ્વારા મળતી ઓફરો અને અતિ આકર્ષક જાહેરાતો સામે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
જો કોઈ નાગરિક વિઝા ફ્રોડનો ભોગ બને, તો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો અથવા www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવી જોઈએ. સમયસર ફરિયાદ કરવાથી નાણાંની વસૂલી અથવા ટ્રાન્ઝેક્શન રોકવાની શક્યતા વધે છે.
વિદેશ જવાની સપના સાકાર કરવા ઉતાવળ કરતાં પહેલાં સાવચેતી અને યોગ્ય તપાસ એ જ સૌથી મોટું રક્ષણ છે. યોગ્ય માહિતી અને જાગૃતિ દ્વારા જ આવી છેતરપિંડીથી બચી શકાય છે.




