નવસારી: AGR-2 વોટર કેરીંગ પાઇપલાઇન સહાય યોજના પાણી વ્યવસ્થાપન દ્વારા સમૃદ્ધ ખેતી તરફ મજબૂત પગલું
MADAN VAISHNAVFebruary 12, 2026Last Updated: February 12, 2026
4 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કિકુભાઈ છીબાભાઈ આહીર ખેતીને પોતાનું મુખ્ય વ્યવસાય બનાવી શાકભાજી તથા ડાંગર પાકની ખેતી કરે છે. અગાઉ ખેતરમાં વોટર કેરીંગ પાઇપલાઇનની સુવિધા ન હોવાથી સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં ભારે અડચણો ઊભી થતી હતી. ખુલ્લી નાળી અથવા અસ્થાયી વ્યવસ્થાથી પાણી પહોંચાડવાના કારણે પાણીનો બગાડ થતો, સમય વધુ લાગતો તેમજ મજૂરી ખર્ચમાં પણ વધારો થતો હતો. સમયસર પૂરતું પાણી ન મળતા પાકના વિકાસ અને ઉત્પાદન પર નકારાત્મક અસર જોવા મળતી હતી.આ પરિસ્થિતિ દરમિયાન ગ્રામ સેવક દ્વારા તેમને ખેતીવાડી શાખાની AGR-2 વોટર કેરીંગ પાઇપલાઇન સહાય યોજના અંગે માહિતી આપવામાં આવી. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતશ્રી દ્વારા i-Khedut પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવામાં આવી. અરજીની જરૂરી તપાસ અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખેતીવાડી શાખા દ્વારા વોટર કેરીંગ પાઇપલાઇન સ્થાપન માટે મંજૂરી આપવામાં આવી. યોજનામાં મંજૂરી મળ્યા બાદ ખેડૂતશ્રી દ્વારા ખેતરમાં વોટર કેરીંગ પાઇપલાઇન સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવી અને યોજના અંતર્ગત સહાય પ્રાપ્ત થઈ. પાઇપલાઇન સ્થાપન બાદ હવે ખેતરમાં સમયસર તથા સીધું સિંચાઈ પાણી ઉપલબ્ધ બન્યું છે. પાણીનો બગાડ ઘટ્યો છે, સિંચાઈ કાર્ય વધુ ઝડપી અને સરળ બન્યું છે તેમજ મજૂરી અને ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ છે. પરિણામે પાકનું ઉત્પાદન વધ્યું છે અને ખેતી વધુ સુવ્યવસ્થિત તથા નફાકારક બની છે. આ રીતે AGR-2 વોટર કેરીંગ પાઇપલાઇન સહાય યોજના ખેડૂતના ખેતી કાર્યને વધુ કાર્યક્ષમ, આધુનિક અને લાભદાયી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.