GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે તા.૧૩ ફેબ્રુઆરીએ રેડિયો ડે ઉજવાશે

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી  જન-જન સુધી કરાઇ રહ્યો છે સફળ ‘સંવાદ’*

*AIRના માધ્યમથી દેશભરમાં ૪૭૯ પ્રસારણ કેન્દ્રો દ્વારા વિવિધ ૨૩ ભાષાઓ અને ૧૭૯ સ્થાનિક બોલીઓમાં કાર્યક્રમો પ્રસારિત*

વિચારોને વાચા આપનાર રેડિયો માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ વિશ્વાસ, જોડાણ અને પ્રેરણાનો અવાજ છે. દર વર્ષે તા.૧૩ ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે, જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે અને રસપ્રદ કથાઓ પીરસે છે. ચાલુ વર્ષે ‘વર્લ્ડ રેડિયો ડે’ની ઉજવણી ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ પર કરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પ્રથમવાર જન-જન સુધી સંવાદ સાધવા ઓક્ટૉબર, ૨૦૧૪થી  ‘મન કી બાત’ કાર્યક્રમ માટે રેડિયોનું માધ્યમ પસંદ કર્યુ હતું. જેથી ફરી એકવાર સાબિત થયું છે  કે,  રેડિયો દેશવાસીઓના દિલ સુધી પહોંચવાની અનોખી ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં ‘મન કી બાત’ના માધ્યમથી ૧૩૦ એપિસોડ થકી સરકાર અને જનતા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો છે.  જેમાં સ્વછતા, આરોગ્ય, મહિલા સશક્તીકરણ, શિક્ષણ, રમત- ગમત જેવા સામાજિક મુદ્દાઓ, પ્રેરક પ્રસંગો અને રાષ્ટ્રીય ચેતનાને અવાજ મળ્યો છે.ડિજિટલ યુગમાં અનેક આધુનિક માધ્યમો વચ્ચે પણ રેડિયોએ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે. જ્યા સંચારના માધ્યમ ઉપલબ્ધ ન થઇ શકે ત્યાં રેડિયોએ મિત્રની ભૂમિકા ભજવી છે. સમાચાર હોય કે, રમતોની કોમેન્ટ્રી, ગીત હોય કે ભજન, આપત્તિનો સમય હોય કે ઉત્સવોનો ઉત્સાહ હોય, રેડિયો એ દેશ અને દુનિયાને જોડ્યા છે. કેટલીક અવિસ્મરણીય ક્ષણોનો રેડિયો સાક્ષી રહ્યો છે. જેમ કે ગણતંત્ર દિવસની પરેડ,  વિશ્વકપ જીતવાની ક્ષણ હોય કે યુદ્ધની પરિસ્થિતિ હોય, રેડિયો પર સંભળાતી કોમેન્ટરી કરોડો શ્રોતાઓ સમક્ષ આબેહૂબ વર્ણન થકી માહિતગાર કરે છે. ટીવી ન હોય ત્યારે પણ માત્ર અવાજ દ્વારા દ્રશ્ય આંખ સામે જીવંત કરવાની ક્ષમતા રેડિયોની વિશેષતા રહી છે. આજે પણ અનેક લોકોની મુસાફરીનો સાથી રેડિયો છે.

Back to top button
error: Content is protected !!