
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મુખ્ય બજારમાંથી શિનોર, કરજણ, રાજપીપળા અને વડોદરા તરફ જતો મુખ્ય માર્ગ પસાર થાય છે. આ માર્ગ પર દિવસભર ભારે વાહનવ્યવહાર રહેતો હોવાથી હંમેશા ટ્રાફિકની અવરજવર જોવા મળે છે.
તેમ છતાં, છેલ્લા કેટલાક સમયથી કેટલાક ટ્રેક્ટર ચાલકો ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને ઝડપી ગતિએ પસાર થવાના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને, ટ્રોલી પર તાડપત્રી ન પાથરવાના કારણે માટી ઉડીને પાછળથી આવતા બાઇકચાલકો અને અન્ય દ્વિચક્રી વાહનચાલકોની આંખમાં જાય છે. જેના પરિણામે અકસ્માતોની શક્યતા વધી રહી છે અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, કેટલાક ટ્રેક્ટર ચાલકો નાબાલિગ અથવા લાઇસન્સ વિના વાહન હંકારી રહ્યા હોવાની શંકા છે, જે ગંભીર બાબત ગણાય છે.
આ પરિસ્થિતિને લઈને સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓએ માંગ ઉઠાવી છે કે ખુલ્લી ટ્રોલીમાં માટી વહન કરતા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ટ્રેક્ટર ચાલકો સામે સંબંધિત વિભાગ તથા શિનોર પોલીસ દ્વારા તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.




