MORBI:મોરબી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું સુચારૂ આયોજન; કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષપદે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

MORBI:મોરબી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું સુચારૂ આયોજન; કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીના અધ્યક્ષપદે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
જિલ્લાના ૧૭ કેન્દ્રો પર ૨૨,૮૭૦ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ તૈયારીઓ પૂર્ણ
પાડા પુલના સમારકામના પગલે વિદ્યાર્થીઓને સમયસર પહોંચવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ તથા એસ.ટી. તંત્રને કલેક્ટરશ્રીની તાકીદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધોરણ-૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી પ્રદ્યુમ્ન વાઝા અને રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાએ જિલ્લાના રિવ્યુ લઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે રીતે સુચારૂ સંચાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીએ વિશેષ સૂચના આપતા જણાવ્યું હતું કે, મોરબીમાં મચ્છુ નદી પરના પાડા પુલના રિપેરિંગની કામગીરી ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર પર થોડું વહેલા નીકળવું હિતાવહ છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલે ખાતરી આપી હતી કે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પોલીસ તંત્ર પૂરતો સહયોગ આપશે અને જરૂર પડ્યે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે.ખાચરે માળિયા પંથકના વિદ્યાર્થીઓ માટે એસ.ટી. નિગમને વધારાની બસ વ્યવસ્થા ગોઠવવા તથા વીજ તંત્રને પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ ૨૨,૮૭૦ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેના માટે ૧૭ કેન્દ્રો પર ૮૫ બિલ્ડિંગ અને ૮૦૩ બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યા છે. ધોરણ-૧૨ ના ઝોનલ અધિકારીશ્રી ભાવેશ ભાલોડિયા અને ધોરણ-૧૦ ના શૈલેષ મેરઝાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમગ્ર બેઠકનું આયોજન અને વ્યવસ્થા ઇ.આઈ. ધર્મિષ્ઠાબેન કડીવાર અને હિતેશભાઈ સરડવાએ સંભાળ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.










