
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
હિંમતનગર વિભાગની એસ.ટી ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં ભારતીય મજદૂર સંઘની પેનલને બહુમતી, ત્રીજીવાર હેટ્રીક સાથે વિજય
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિભાગ હેઠળ ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કો-ઓપરેટીવ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ સોસાયટી લિ.ની વ્યવસ્થાપક સમિતિ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય મજદૂર સંઘ (BMS)ની પેનલે જંગી બહુમતી સાથે વિજય મેળવી સતત ત્રીજીવાર હેટ્રીક નોંધાવી છે. કુલ 13 બેઠકોમાંથી ભારતીય મજદૂર સંઘે 9 બેઠકો કબજે કરી સંગઠનનો ભગવો ધ્વજ ફરી લહેરાવ્યો છે.
ચૂંટણીમાં એસ.સી/એસ.ટી અનામત બેઠક, બે મહિલા અનામત બેઠકો સહિત હિંમતનગર ડેપો, વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, પ્રાંતિજ, બાયડ, મોડાસા, ભિલોડા, ઈડર, ખેડબ્રહ્મા અને માણસા ડેપોના ઉમેદવારો વચ્ચે જંગી સ્પર્ધા જોવા મળી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગના પ્રમુખ રામજીભાઈ દેસાઈ, મહામંત્રી જગદીશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ અશોકભાઈ રાવલ સહિત પેનલ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ વિવિધ ડેપો યુનિટોમાં વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું.
પરિણામ જાહેર થતાં ભારતીય મજદૂર સંઘની પેનલના ઉમેદવારોમાં અશોકભાઈ કે. રાઠોડ (હિંમતનગર ડેપો), ઉપલકુમારી સી. સોલંકી (ખેડબ્રહ્મા ડેપો), કાજલબેન બી. ચૌહાણ (મોડાસા ડેપો), દિપકકુમાર ડી. રહેવર (મોડાસા ડેપો), મનહરસિંહ વી. પરમાર (બાયડ ડેપો), રાજેશકુમાર જે. અસારી (ભિલોડા ડેપો), વિરેન્દ્રસિંહ કે. ઝાલા (પ્રાંતિજ ડેપો), મનોજભાઈ કે. પાઠક (વિભાગીય યંત્રાલય) અને માનસિંહભાઈ એલ. ચૌધરી (માણસા ડેપો) ભવ્ય બહુમતી સાથે વિજેતા જાહેર થયા હતા.વિજય બાદ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે વિજયોત્સવ ઉજવ્યો હતો. સંગઠનના નેતાઓએ આ જીતને વ્યક્તિગત નહીં પરંતુ હિંમતનગર વિભાગના તમામ કર્મચારી ભાઈ-બહેનોની એકતાની જીત ગણાવી હતી તેમજ ચૂંટણી દરમિયાન સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.





