GUJARATKUTCHMUNDRA

કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સુખદ અંત: મંગળવારની ‘માસ સી.એલ.’ અને ધરણાનો કાર્યક્રમ મોકૂફ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સુખદ અંત: મંગળવારની ‘માસ સી.એલ.’ અને ધરણાનો કાર્યક્રમ મોકૂફ 

 

ભુજ: 

કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં વહીવટી બદલીઓના કારણે સર્જાયેલા અસંતોષ અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો મામલે ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની મંજૂરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી સાથેની સફળ રજૂઆતના પરિણામે કર્મચારી મંડળ દ્વારા આગામી ૧૭ ફેબ્રુઆરી, મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલ ‘માસ સી.એલ.’ અને ધરણાનો વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

તાજેતરમાં થયેલી અરસપરસ બદલીઓ બાદ સર્જાયેલી સ્થિતિ અંગે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના હોદ્દેદારોએ સોમવારે તંત્ર પાસે રજૂઆત કરતા હકારાત્મક પ્રતિસાદ રૂપે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ૬૨ જેટલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના માંગણી મુજબના બદલીના ઓર્ડર કરી આપવામાં આવ્યા છે. અગાઉ ૪૮ મહિલા આરોગ્ય કર્મચારીઓની બદલીઓ પણ મંજૂર કરવામાં આવી હતી આમ કુલ ૧૧૦ પાયાના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતા કર્મચારી આલમમાં હર્ષની લાગણી છવાઈ છે.

કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયા, મહામંત્રી નિલેશભાઈ મકવાણા અને મુખ્ય કન્વીનર ભરતભાઈ ડોડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે તંત્ર દ્વારા બાકીના પ્રશ્નો અંગે પણ ટૂંક સમયમાં સાનુકૂળ ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હોવાથી મંગળવારનો આંદોલનાત્મક કાર્યક્રમ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. આથી હવે કોઈપણ કર્મચારીએ રજા રાખવાની જરૂર રહેશે નહીં. જોકે મંડળે એમ પણ ઉમેર્યું હતું કે જો નિયત સમયમર્યાદામાં અન્ય પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ફરી એકજૂથ થઈ લડત આપવામાં આવશે. આ અંગે મીડિયા સેલના કન્વીનર પ્રકાશ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી આરોગ્ય સેવાઓ ખોરવાતા બચી છે અને આ જટિલ પ્રશ્નના સુખદ નિરાકરણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર આરોગ્ય તંત્રના તમામ અધિકારી/કર્મચારીઓનો પણ મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

MPHW TRASFER ORDER

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!