ARAVALLIGUJARATMODASA

સાફલ્યગાથા : “સંકલ્પ હબની મદદથી ગંગાસ્વરૂપા સહાય મળતાં ડાહીબેનના જીવનમાં આવ્યો નવો વિશ્વાસ*

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

*સાફલ્યગાથા : “સંકલ્પ હબની મદદથી ગંગાસ્વરૂપા સહાય મળતાં ડાહીબેનના જીવનમાં આવ્યો નવો વિશ્વાસ*

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પાલનપુર વિસ્તારમાં વસવાટ કરતી અનુસૂચિત જાતિના સમાજની મહેનતુ અને સંઘર્ષશીલ ગંગાસ્વરૂપા મહિલા ડાહીબેન મેઠાભાઈ ચમારે પોતાના જીવનનિર્વાહ માટે રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લગભગ ત્રણ વર્ષ પહેલાં અરજી કરી હતી. આ સહાય તેમની આર્થિક પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ આધાર પુરો પાડે તેવી તેમની આશા હતી.

પરંતુ યોજનાની પૂરતી જાણકારીના અભાવ અને દસ્તાવેજોની વિસંગતતા કારણે ગાંધીનગર કચેરીથી તેમની અરજીનો મંજૂરી હુકમ (Sanction Order) જનરેટ થયો નહોતો. પરિણામે સહાયની રકમ મળતી અટકી ગઈ. અજાણતાં તેમણે ફરીથી અરજી કરી, પરંતુ સિસ્ટમમાં અગાઉની અરજી ડુપ્લિકેટ દર્શાવાતા નવી અરજી પણ મંજૂર થઈ શકી નહોતી. વર્ષો સુધી રાહ જોતા છતાં સહાય ન મળતાં તેઓ નિરાશ થઈ ગયા હતા.

ડાહીબેનની રજૂઆત જાગૃતિ નાગરિક મારફતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ – જિલ્લા હબ, અરવલ્લી (District Hub for Empowerment of Women) સુધી પહોંચી. રજૂઆત મળતાં જ સંકલ્પ હબ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી.

જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર ડૉ. ભરતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેસની વિગતવાર તપાસ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે ટેક્નિકલ ખામીના કારણે મંજૂરી હુકમ જનરેટ થયો નહોતો.હબની ટીમે સંબંધિત કચેરીઓ સાથે સતત પરામર્શ અને અનુસરણ કર્યું. ખૂટતા દસ્તાવેજો ફરી એકત્રિત કરીને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા. જિલ્લા કક્ષાએ સંકલિત પ્રયાસો બાદ અંતે લાભાર્થી માટે સેન્કશન નંબર જનરેટ થયો અને સહાય મંજૂર થઈ.

સતત પ્રયત્નોના પરિણામે ડાહીબેનના બેંક ખાતામાં ₹૪૦,૦૦૦/- ની આર્થિક સહાય જમા થઈ અને સહાય નિયમિત શરૂ કરવામાં આવી.સંકલ્પ હબની ટીમ તેમના નિવાસસ્થાને જઈ સહાય શરૂ થઈ ગયાની ખાતરી આપી અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી થાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપી. સાથે સાથે મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

*વિશ્વાસનો દીપ પ્રગટ્યો*

સહાય પ્રાપ્ત થતાં ડાહીબેન ખૂબ જ આનંદિત થયા. વર્ષો સુધીની નિરાશા પછી તેમના જીવનમાં વિશ્વાસ અને સુરક્ષાનો નવો પ્રકાશ ફેલાયો. તેમણે સંકલ્પ હબની ટીમનો દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા.આ સફળતા ગાથા માત્ર એક આર્થિક સહાયની વાત નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સતત અનુસરણ અને પ્રતિબદ્ધ સેવાભાવનું પ્રેરણાદાયક ઉદાહરણ છે. આ ઘટના દર્શાવે છે કે સંવેદનશીલ અને જવાબદાર પ્રશાસન દ્વારા સરકારી યોજનાઓનો વાસ્તવિક લાભ સમાજના અંતિમ છોરે વસતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે છે.

Back to top button
error: Content is protected !!