સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે દેશભરમાં ગુજરાત બીજા ક્રમે, : ‘શી’ બોક્સ પોર્ટલ

ગુજરાતની સરકારી કચેરીઓમાં છેલ્લા દોઢ વર્ષમાં જાતીય સતામણીની કુલ સાત ફરિયાદો નોંધાઈ છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી માત્ર એક જ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીની છ ફરિયાદોમાં હજુ સુધી કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આવ્યો નથી.
સરકારી કચેરીઓ અથવા સરકાર સાથે સંકળાયેલી એજન્સીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં જાતીય સતામણીની કેટલી ફરિયાદો નોંધાઈ છે, તેવા એક પ્રશ્નના ઉત્તરમાં આ વિગતો સામે આવી છે. જાતીય સતામણીની ફરિયાદ માટેના ‘શી'(SHe) બોક્સ પોર્ટલ પર 29 ઓગસ્ટ, 2024થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ 7 ફરિયાદો મળી છે. આ સમયગાળામાં સૌથી વધુ ફરિયાદો ધરાવતા રાજ્યોમાં 10 ફરિયાદો સાથે કર્ણાટક મોખરે છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાન 7 ફરિયાદો સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર 6 ફરિયાદો સાથે ત્રીજા સ્થાને છે.
સમગ્ર દેશની સરકારી કચેરીઓમાં આ સમયગાળામાં જાતિય સતામણીની કુલ 79 ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી 23નો નિકાલ થયો છે જ્યારે 56 ફરિયાદ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.





