દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 51 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 51 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું
***
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ ખાતે રાષ્ટ્રીય ક્ષયરોગ નિરમુલન કાર્યક્રમ ક્ષયરોગ ગ્રસ્ત દર્દીઓના પોષણ સ્તર સુધારવા અર્થે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાની ઉપસ્થિતિ માં પોષણ કીટ આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસરશ્રી તથા આરોગ્ય ટીમના સંકલિત પ્રયાસોથી કુલ 51 ટીબી દર્દીઓને “નિક્ષય પોષણ કીટ” આપવામાં આવી હતી.
ક્ષયરોગ એક ચેપજન્ય રોગ હોવાને કારણે દર્દીઓમાં લાંબા ગાળાના સંક્રમણથી વજનમાં ઘટાડો, કુપોષણ, એનિમિયા અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની શક્યતા રહે છે.
યોગ્ય સારવાર સાથે સમતોલ અને પ્રોટીન સમૃદ્ધ આહાર દર્દીની સ્વસ્થતા અને આરોગ્યમાં અસરકારકતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ હેતુસર દર્દીને ચણા, મગ, ખજૂર, ચોખા અને ગોળ જેવી પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યવસ્તુઓનો સમાવેશ કરતી કીટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આગામી છ માસ સુધી નિયમિત રીતે આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ પોષણ સહાયથી દર્દીઓમાં બોડી માસ ઇન્ડેક્સ (BMI) સુધારવા, હિમોગ્લોબિન સ્તર જાળવવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા સહાય મળશે.“પોષણ સાથેની સારવાર – ક્ષયરોગ સામેની જીત” ના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દી કેન્દ્રિત અને સર્વાંગી આરોગ્ય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા





