
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ભારત ચૂંટણી પંચના વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ
ભારત ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદીના વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision – SIR) હેઠળ અરવલ્લી જિલ્લામાં વિવિધ તબક્કાઓમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જણાવ્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૯.૧૨.૨૦૨૫ના રોજ મુસદ્દા (ડ્રાફ્ટ) મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૯.૧૨.૨૦૨૫થી તા. ૩૦.૦૧.૨૦૨૬ સુધી મતદારોને હક્ક દાવા અને વાંધા રજૂ કરવાનો પૂરતો સમયગાળો આપવામાં આવ્યો હતો.આ સમયગાળા દરમિયાન તા. ૧૯.૧૨.૨૦૨૫થી તા. ૧૦.૦૨.૨૦૨૬ સુધી જિલ્લાના સંબંધિત વિધાનસભા મતવિસ્તારોના મતદાર નોંધણી અધિકારી ઓ દ્વારા રજૂ થયેલ તમામ વાંધા અને હક્ક દાવાઓ પર નોટિસ જારી કરી સુનાવણી હાથ ધરવામાં આવી અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં ફોર્મ નં. ૭ આધારે કુલ ૭૧૫ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત SIR અગાઉ જિલ્લામાં કુલ ૮,૫૮,૭૫૩ મતદારો હતા, જે પૈકી મરણ, સ્થળાંતર, ડુપ્લીકેટ જેવા કારણોસર કુલ ૭૨,૭૩૬ મતદારોના નામ નિયમાનુસાર કમી કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ દરમિયાન ફોર્મ-૬ ભરીને નોંધણી કરાવનાર કુલ ૧૧,૭૮૧ નવા મતદારોનો પણ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આ તમામ કાર્યવાહી પછી તા. ૧૭.૦૨.૨૦૨૬ના રોજ અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં કુલ ૭,૯૭,૪૦૭ મતદારોનો સમાવેશ થયો છે. અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ ૩૦-ભિલોડા (અ.જ.જા.), ૩૧-મોડાસા તથા ૩૨-બાયડ વિધાનસભા મતવિસ્તારોના મતદારો પોતાનું નામ શોધી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ની કચેરી, મતદાર નોંધણી અધિકારી ની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી ની કચેરી, તમામ મતદાન મથકો તથા અન્ય નિયત સ્થળોએ અંતિમ મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે.વધુમાં, આ અંતિમ મતદારયાદી ભારતના ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ તેમજ વોટર પોર્ટલ (voter portal) પર પણ ઉપલબ્ધ રહેશે. મતદારોને વિનંતી છે કે તેઓ પોતાનું નામ તપાસી લે અને જરૂરી હોય તો સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરે.




