
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શણગાલથી ટીંટોઈ માર્ગના કામથી વાહનચાલકો પરેશાન, ડાઇવર્ઝન આપ્યા વગર જ મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો..!! ઉમેદપુર ગામ થી ટીંટોઈ જવા મજબુર લોકો
અરવલ્લી: શણગાલથી ટીંટોઈ તરફ જતા માર્ગ પર ચાલી રહેલા રસ્તાના સમારકામ અને નવા ગરનાળાના કામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર ઠેરઠેર કામકાજ શરૂ હોવાથી રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં અને દૈનિક મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, મહુડી-શણગાલ ચોકડીથી આગળ હાલ એકપણ ફોર વ્હીલ વાહન જઈ શકતું નથી. રસ્તાના કામ દરમિયાન કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન ન અપાતા વાહનચાલકોને લાંબા અંતરના ફેરા મારવા પડી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો, વેપારીઓ તેમજ તાત્કાલિક સેવાઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે.સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા ડાયવર્ઝન માટે મંજૂરી આપવામાં આવી નથી. જોકે સ્થાનિકોનું કહેવું છે કે યોગ્ય આયોજન અને વૈકલ્પિક માર્ગ વિના રસ્તો સંપૂર્ણ બંધ કરવો યોગ્ય નથી.સ્થાનિક લોકોએ તંત્રને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા, ડાયવર્ઝનની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ વાહન વ્યવહાર સરળ બનાવવા માંગણી કરી છે.






