ગુજરાતમાં ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 27 ઑક્ટોબર 2025થી શરુ થયેલી આ પ્રક્રિયાના અંતે આજે (17 ફેબ્રુઆરી 2026) રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ઝુંબેશને સફળ બનાવવા માટે રાજ્યભરમાં મિશન મોડ પર કામગીરી કરવામાં આવી હતી.
SIR (સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા પહેલાં ગુજરાતમાં 5.8 કરોડથી વધુ મતદારો નોંધાયા હતા. ત્યારબાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા હતા. હવે આખરી ફાઈનલ યાદીમાં 4,40,30,725 મતદારોના નામ સામેલ થયા છે. એટલે કે ડ્રાફ્ટ યાદી કરતાં 5.60 લાખ મતદારો ઉમેરાયા છે.
નામ ઉમેરવા અને કમી કરવા માટે શરૂ કરાયેલી આ પ્રક્રિયામાં મોટા પાયે ફેરફારો નોંધાયા છે. આખરી મતદાર યાદીમાં જે મતદારોના નામ ન આવ્યા હોય, તેઓ ફોર્મ નંબર 6 ભરીને ડિક્લેરેશન કરી શકે છે. આ ફોર્મ ભર્યા બાદ ચૂંટણીપંચ ચકાસણી કરી સંબંધિત વ્યક્તિનું નામ યાદીમાં ઉમેરશે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ ફાઈનલ મતદાર યાદી અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. જે મતદારોના નામ ફાઈનલ યાદીમાં નહીં હોય, તેઓ ચૂંટણીમાં મત આપી નહીં શકે. આથી દરેક મતદારે પોતાનું નામ ફાઈનલ યાદીમાં છે કે નહીં, તે ચોક્કસ ચકાસી લેવું જોઈએ.
ચૂંટણી પંચના સૂત્રો અનુસાર, મૃત્યુ, સ્થળાંતર અને લાંબા સમયથી ગેરહાજર રહેલા આશરે 2.65 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. બીજી તરફ નવા પાત્ર મતદારોના સમાવેશ સાથે 11.73 લાખ નામોની ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી. 2002ની મતદાર યાદી સાથે મેપિંગ ન થનારા 3.85 લાખ મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત, નામ અને સરનામામાં તફાવત ધરાવતા મતદારોને પણ દસ્તાવેજી ચકાસણી માટે નોટિસ આપવામાં આવી હતી.
તમારું નામ કેવી રીતે ચકાસશો?
• વેબસાઇટ: http://ceo.gujarat.gov.in
• વોટર પોર્ટલ: voters.eci.gov.in
• મોબાઇલ એપ: ECINET App
• રૂબરૂ: BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી





