
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના વોટડા ગામે જી રામજી યોજનાની (મનરેગા )કામગીરી સામે સવાલ, ભ્રષ્ટાચારની ચર્ચાએ પકડ્યું જોર
મોડાસા, અરવલ્લી: મોડાસા તાલુકાના વોટડા ગામ ખાતે ચાલી રહેલી જી રામજી યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરી અંગે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. ગ્રામજનોમાં લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે કામગીરી દરમિયાન અનિયમિતતા અને સંભવિત ભ્રષ્ટાચાર થતો હોઈ શકે છે
મળતી માહિતી અનુસાર તળાવ ઊંડું કરવાની કામગીરી દરમ્યાન નીકળતી માટી ટ્રેક્ટરોમાં ભરીને બહાર ખાનગી જગ્યાઓ પર ઠલવાતી હોવાની ચર્ચા છે, જેને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે યોજનાનો લાભ ગામના વિકાસ માટે થવો જોઈએ, પરંતુ કામગીરીની પારદર્શકતા અંગે સવાલો ઊભા થયા છે.તે ઉપરાંત જી રામજી યોજનામાં કામ કરતા મજૂરોની હાજરી અંગે પણ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. હાજરી નોંધ અને વાસ્તવિક મજૂરો વચ્ચે ભિન્નતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ મોડાસાના ટીડીઓ અધિકારી દ્વારા તટસ્થ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે, જેથી સત્ય બહાર આવી શકે અને જવાબદારો સામે કાર્યવાહી થાય
સરકારે મનરેગા યોજનાનું નામ બદલી ‘વિકસિત ભારત જી. રામજી’ યોજના અમલમાં મૂકી છે, જેમાં રોજગારીના દિવસોમાં વધારો કરી સ્થાનિક લોકોને પોતાના ગામની આસપાસ રોજગારી ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. યોજનાના અંતર્ગત તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે ગ્રામ વિકાસના કામો કરવામાં આવે છે.પરંતુ અરવલ્લી જિલ્લાના કાબોલા વાંટડા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલતી કામગીરી અંગે સવાલો ઉઠવા લાગ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે રાહત કામ અંતર્ગત તળાવ અથવા અન્ય વિકાસ કામમાંથી નીકળતી માટી અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહી છે. યોજનાના નિયમો અનુસાર માટીનો ઉપયોગ તે જ કામમાં અથવા નજીકના સરકારી કે સમુદાયના કામમાં કરવો જરૂરી છે અને ખાનગી ઉપયોગ માટે લઈ જવી મનાઈ ગણાય છે, સિવાય કે મંજૂર થયેલા લેન્ડ ડેવલપમેન્ટ કામ માટે હોય.





