
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરાયેલ સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે.તાજેતરમાં વનકર્મીઓ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાઓને ગંભીરતાથી લઈને છેલ્લા એક માસથી વન અને પોલીસ વિભાગ દ્વારા ‘કોમ્બિંગ પેટ્રોલિંગ’ કરવામાં આવી રહ્યું છે.આ દરમિયાન, તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ ઉત્તર ડાંગ વન વિભાગ, આહવાના નાયબ વન સંરક્ષક એમ.એલ.મીનાને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે મધરાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.એ.સી.એફ.આર.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આહવા (પશ્ચિમ) વિનય પી. પવાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આહવા (પૂર્વ) હાર્દિકભાઈ કે. ચૌધરી અને આહવા એલ.સી.બી.ના પી.એસ.આઈ.જે.જી. અનડકટની ટીમે ચિકટીયા બીટના કુંભીપાડા ફળિયામાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી.મધરાત્રિના સમયે અંધારામાં ગાડીનો દરવાજો બંધ થવાનો અવાજ સંભળાતા જ સતર્ક બનેલી ટીમ ઘટનાસ્થળ તરફ આગળ વધી હતી.વન વિભાગ અને પોલીસની ટીમને જોઈને લાકડા ચોરો ગભરાઈ ગયા હતા અને પકડાઈ જવાની બીકે વાહન છોડીને અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.તપાસ દરમિયાન સ્થળ પરથી એક શંકાસ્પદ મહિન્દ્રા XUV 500 ગાડી મળી આવી હતી, જેમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં સાગના લાકડાના ૯ નંગ (૧.૬૫૦ ઘનમીટર) મળી આવ્યા હતા.સમગ્ર કાર્યવાહીમાં તંત્ર દ્વારા કુલ રૂ. ૩,૨૯,૭૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,જેમાં રૂ. ૨,૭૦,૦૦૦/-ની કિંમતનું વાહન અને અંદાજે રૂ. ૫૯,૭૫૦/-ની કિંમતના સાગના લાકડાનો સમાવેશ થાય છે. વન વિભાગે આ બાબતે કાયદેસરનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલ મુખ્યત્વે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ કિંમતી સાગના લાકડા કયા જંગલમાંથી કાપવામાં આવ્યા હતા અને તેને ક્યાં લઈ જવાની યોજના હતી. આ ઓપરેશનથી વનચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જંગલની મિલકતને નુકસાન કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે..





