AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદમાં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાતની ૧૮૮મી બેઠક યોજાઈ, નાણાકીય સમાવેશ અને સંતુલિત ધિરાણ વૃદ્ધિ પર ભાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

બેંક ઓફ બરોડાના આયોજન હેઠળ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ દેના લક્ષ્મી ભવન, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC) ની ૧૮૮મી બેઠક યોજાઈ હતી. રાજ્યમાં નાણાકીય સમાવેશ, ધિરાણ પ્રવાહ અને આર્થિક વિકાસને ગતિ આપવા અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકની અધ્યક્ષતા SLBC ગુજરાતના ચેરમેન અને બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લલિત ત્યાગી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના GLPCના મેનેજિંગ ડાયરેક્ટર અજય પ્રકાશ (IAS), RBI અમદાવાદના રિજીયોનલ ડાયરેક્ટર અમરેશ રંજન, નાબાર્ડના જનરલ મેનેજર નિધિ શર્મા, ગુજરાત સરકારના નાણા વિભાગના ડાયરેક્ટર (IF) અમિત મીના અને SLBC ગુજરાતના કન્વીનર તથા બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અશ્વિની કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સરકાર, RBI, નાબાર્ડ, વિવિધ સરકારી તથા ખાનગી બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરોએ હાજરી આપી હતી.

અધ્યક્ષ લલિત ત્યાગીએ રાજ્યના ૯૧ ટકાથી વધુના મજબૂત ક્રેડિટ-ડિપોઝિટ (CD) રેશિયો અને સ્થિર ધિરાણ વૃદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટકાઉ આર્થિક વિકાસ માટે સંતુલિત પોર્ટફોલિયો વિસ્તરણ, પ્રાથમિકતા ક્ષેત્રે ધિરાણમાં વૃદ્ધિ અને મજબૂત સાયબર જોખમ સંચાલન જરૂરી છે. કેન્દ્રીય બજેટમાં દર્શાવાયેલા “કર્તવ્ય”ના સિદ્ધાંતો સાથે બેંકિંગ ક્ષેત્રનું સુમેળ જાળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

GLPCના મેનેજિંગ ડાયરેક્ટર અજય પ્રકાશે મહિલા સંચાલિત આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો (SHG) અને બેંકો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું. તેમણે ગ્રામ્ય સ્તરે સ્વરોજગારી અને માઇક્રો ઉદ્યોગોને બેંકિંગ સહાય વધારવા પર ભાર મૂક્યો હતો.

RBI અમદાવાદના રિજીયોનલ ડાયરેક્ટર અમરેશ રંજનએ રાજ્યના બદલાતા ઔદ્યોગિક માળખાને ધ્યાનમાં રાખીને કૃષિ, સુક્ષ્મ અને નબળા વર્ગોને અપાતા ધિરાણમાં રહેલી ખામીઓને દૂર કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. નાબાર્ડના જનરલ મેનેજર નિધિ શર્માએ કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ, પશુપાલન અને ગ્રામ વિકાસ પ્રકલ્પોને વધુ ધિરાણ ઉપલબ્ધ કરાવવાની દિશામાં બેંકોને સક્રિય બનવા જણાવ્યું હતું.

ગુજરાત સરકારના નાણા વિભાગના ડાયરેક્ટર (IF) અમિત મીનાએ બેંકિંગ સુવિધાથી વંચિત ગામડાઓને સમયબદ્ધ રીતે આવરી લેવા, ખેડૂતોને ઔપચારિક ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને નાણાકીય સાક્ષરતા અભિયાનને વધુ તેજ બનાવવા પર ભાર મૂક્યો હતો.

SLBC ગુજરાતના કન્વીનર અશ્વિની કુમારે રાજ્યભરમાં બેંકિંગ કામગીરીની એજન્ડા મુજબ સમીક્ષા રજૂ કરી હતી. જેમાં ક્રેડિટ ફ્લો, નાણાકીય સમાવેશી પહેલો, ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ, જનધન ખાતાઓની સ્થિતિ અને સેવા વિતરણ પદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં રાજ્યએ વાર્ષિક ધિરાણ યોજના (ACP) હેઠળ અગ્રતા ક્ષેત્રના ધિરાણ વિતરણના લક્ષ્યાંકનો ૯૪ ટકા હિસ્સો હાંસલ કર્યો હોવાનું નોંધાયું હતું, જેને સંતોષકારક પ્રદર્શન તરીકે માનવામાં આવ્યું.

વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) દ્વારા ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ (e-NWR) મારફતે પ્લેજ ફાયનાન્સ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં કોલેટરલ આધારિત સુરક્ષિત ધિરાણ માટેની નવી તકો અને ખેડૂતોને સંગ્રહ સુવિધા સાથે સંકળાયેલા લાભોની વિગત આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા બેંકિંગ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

અંતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર અતુલ રાઠી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના સર્વાંગી આર્થિક વિકાસ અને નાણાકીય સમાવેશને વધુ ગતિ આપવા માટે સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!