GUJARATNANDODNARMADA

નર્મદા: બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ઓબ્ઝર્વર ની સમીક્ષા બેઠક મળી

નર્મદા: બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ઓબ્ઝર્વર ની સમીક્ષા બેઠક મળી

 

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય –વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે નર્મદા જિલ્લામાં પરીક્ષા સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઓબ્ઝર્વરઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલે બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓ તેમજ પરીક્ષા દરમિયાન ઓબ્ઝર્વર તરીએ રાખવાની સાવચેતીની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્બારા ફેબ્રુઆરી/માર્ચ ૨૦૨૬ માં ધોરણ ૧૦ એસ.એસ.સી અને ધોરણ ૧૨ એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન સવારે ૧૦.૩૦ થી ૦૧.૩૦ અને બપોરે ૦૩.૦૦ થી ૦૬.૩૦ કલાકે એમ બે સેશનમાં યોજાનાર છે. જેમાં કેન્દ્ર સંચાલક અને ઓબ્ઝર્વરે રાખવાની કાળજી, બોર્ડ દ્વારા નક્કી કરાયેલી સૂચનાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી.

 

નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડએ જણાવ્યું કે, તમામ ઓબ્ઝર્વર તેમને ફાળવેલા કોન્દ્રોની અગાઉથી જ મુલાકાત કરી વિદ્યાર્થીઓના એન્ટ્રી-એક્ઝિટના માર્ગો, શાળામાં સીસીટીવીની ચકાસણી, બોર્ડ દ્વારા અપાયેલી સૂચનાઓનું સુચારુ પાલન થાય તે જોવું તથા અન્ય સંબંધિત વિભાગો જેવા કે એસ.ટી., પોલીસ, વીજ વિભાગ વગેરેએ ટ્રાફિક નિયમન, વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે એસ.ટી. બસોનું નિયમિત સંચાલન થાય, વીજ પ્રવાહ સતત જળાઈ રહે, પરીક્ષા કેન્દ્રોમાં પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય, આરોગ્યલક્ષી સુવિધા તુંરત મળી રહે તે માટેની ઉપલબ્ધતાની ચકાસણી કરી લેવા સાથે પરીક્ષાના સમય દરમિયાન અધિકૃત કરાયેલા અધિકારી-કર્મચારીઓ સિવાય અય કોઈ વ્યક્તિ કેમ્પસમાં પ્રવેશ ન કરે તેની પુરતી કાળજી રાખવી અને વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી ન પડે તેવી રીતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

 

નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષામાં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૮૭૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૨૭ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૦૩ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪૮૩૬ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થશે, જેના માટે ૧૫ બિલ્ડીંગમાં ૧૬૬ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે કેન્દ્રો ખાતે ૧૦૨૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે ૦૫ બિલ્ડીંગમાં ૫૩ બ્લોક નક્કી કરાયા છે. આમ નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે ૫૨૨ બ્લોકમાં કુલ- ૧૪,૫૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Back to top button
error: Content is protected !!