GUJARATSAGBARA

યાહા મોગી માતાના ચરણોમાં મહાશિવરાત્રિનો ઐતિહાસિક મેળો સફળતાપૂર્વક સંપન્,

દેવમોગરા ધામમાં આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ : અહીં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે,

 

યાહા મોગી માતાના ચરણોમાં મહાશિવરાત્રિનો ઐતિહાસિક મેળો સફળતાપૂર્વક સંપન્,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

દેવમોગરા ધામમાં આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ : અહીં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે,

 

સાતપૂડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું દેવમોગરા ધામ આદિવાસી આસ્થાનું અદ્વિતીય કેન્દ્ર છે. અહીં બિરાજમાન યાહા મોગી પાંડોરી માતાજી આદિવાસી સમાજની કુળદેવી તેમજ અન્નની દેવી તરીકે પૂજાય છે. વિશ્વમાં કણી કંસારી અન્નદેવીના સ્વરૂપમાં માનવામાં આવતું આ પ્રાચીન સ્થાનક અનોખી આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. પ્રતિ વર્ષ મહાશિવરાત્રિના અવસરે યોજાતો ભાતીગળ મેળો આ વખતે તા.15મીથી શરૂ થઈ 19મી ફેબ્રુઆરીના રોજ સુખરૂપ સંપન્ન થયો હતો.

 

લોકવાયકા મુજબ સાગબારાના રાજા હીરાજી સંગાજી સરકારને રાત્રે સ્વપ્નમાં માતાજીએ દર્શન આપી જણાવ્યું હતું કે “હું મોગરાના ઝાડ નીચે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છું.” બીજા દિવસે જોયું તો ત્યાં મૂર્તિ સ્વરૂપે માતાજી પ્રગટ મળ્યા હતા. વર્ષ ૧૦૮૫માં રાજવી પરિવાર દ્વારા રાજવી પરંપરા મુજબ સાગબારાથી ડંકા-નિશાન અને સૈન્ય સાથે ભવ્ય શોભાયાત્રા યોજી મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. મૂર્તિ (દેવ) અને મોગરો (ઝાડ)થી આ સ્થાનકનું નામ દેવમોગરા પડ્યું હતું. આજ દિન સુધી રાજવી પરિવારની 14મી પેઢી આ પરંપરા અવિરત રીતે નિભાવતી આવી છે.

આ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીથી પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળો ભરાય છે. પ્રથમ દિવસે મેળાનો પ્રારંભ, બીજા દિવસે વાઘણદેવની પૂજા, રાજવી પરિવાર દ્વારા માતાજીને જલકુંડમાં સ્નાન કરાવવાની પરંપરા, ગઢ સુધી ભવ્ય શોભાયાત્રા યોજી રાજા પાંઠા અને વિના દેવના મંદિરમાં નૃત્ય-સંગીત સાથે વિધિવત પૂજા કરવામાં આવે છે.

 

આદિવાસી બહેનો પરંપરાગત વેશભૂષામાં માથે “હિજારી” ટોપલી ધારણ કરીને માતાજીના દર્શને આવે છે. આ હિજારીમાં પોતાના ખેતરમાં પકવાયેલું વિવિધ ધાન્ય લઈ માતાજીને અર્પણ કરવામાં આવે છે. હિજારી એ આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને સમૃદ્ધિનું જીવંત પ્રતિક છે.

 

વિશેષ નોંધનીય બાબત એ છે કે, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોવા છતાં મહિલાઓ અને પુરુષો શિસ્તબદ્ધ હરોળમાં, ધીરજ અને વિશ્વાસ સાથે, કોઈપણ ધક્કામુક્કી વગર દર્શન કરી આનંદ ઉલ્લાસ સાથે પરત ફરતા હોય છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર-2025માં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જન જાતીય ગૌરવ દિવસ”ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવમોગરા ખાતે પધાર્યા હતા. તેમણે આદિવાસી પરંપરા મુજબ હિજારી સાથે પૂજા-અર્ચના કરી અને દેશના કલ્યાણ માટે માતાજીના આશીર્વાદ માગ્યા. આ પ્રસંગ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બની રહ્યો, જેના સાક્ષી દેશવાસીઓ બન્યા. તેથી જ આ વખતે શિવરાત્રીનો મેળો પણ વધુ મહત્વનો બની ગયો હતો.

 

દેવમોગરાના મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના ચાર રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ વાહન અને પગપાળા દર્શનાર્થે આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રોડ-રસ્તા, મંદિર પરિસર અને જનસુવિધાઓ સુલભ બનાવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચવામાં વધુ સરળતા બની રહી હતી.

 

દેવમોગરા યાહા મોગી માતાજીનું ધામ માત્ર મંદિર જ નથી પરંતુ તે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, શ્રદ્ધા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતિક છે. વર્ષ ૧૦૮૫થી આજદિન સુધી અવિરત ચાલતી આ પરંપરા ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને ઉજાગર કરે છે.

 

દેવમોગરા ધામ આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ છે. જ્યાં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જા

નો અનુભવ કરાવે છે.

Back to top button
error: Content is protected !!