MORBI:મોરબી કાંતિલાલ અમૃતિયાની દીર્ઘાયુ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી કાંતિલાલ અમૃતિયાની દીર્ઘાયુ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
મોરબીમાં ગુજરાત રાજ્યનાં શ્રમ અને રોજગાર મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાલ કેન્સર જેવી ગંભીર બીમારી સામે જંગ લડી રહ્યા છે. આજે મુંબઈ ખાતે તેઓનું કેન્સરનું ઓપરેશન થવા જઈ રહ્યું છે, ત્યારે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને તેમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે માટે મોરબીના પવિત્ર ખોખરા હનુમાનજી મંદિરે એક વિશેષ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞનું આયોજન મોરબી શહેર ભાજપ અને ‘મિશન નવ ભારત’ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને કાંતિભાઈના શુભચિંતકોએ ખાસ ઉપસ્થિત રહીને યજ્ઞમાં આહુતિ આપી હતી અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી હતી. આયજ્ઞ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ કાંતિભાઈના ભૂતકાળના સેવાકીય કાર્યોને યાદ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે પણ મોરબી પર કોઈ મોટી આફત આવી છે, ત્યારે કાંતિભાઈ હંમેશા લોકોની મદદે દોડી ગયા છે. પછી તે પૂરની હોનારત હોય, ભૂકંપ હોય કે કોરોનાની વૈશ્વિક મહામારી હોય; તેમણે હંમેશા આગળ રહીને મોરબીવાસીઓની સેવા કરી છે. એટલું જ નહીં, તાજેતરમાં બનેલી મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના વખતે પણ તેમણે પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કૂદીને અનેક લોકોના પ્રાણ બચાવ્યા હતા. આજે જ્યારે કાંતિભાઈ પોતે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે મોરબી જિલ્લાના અઢારેય વરણના લોકો તેમના સફળ ઓપરેશન અને ઝડપી રિકવરી માટે એકસૂરે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.









