MEHSANAVIJAPUR

વિજાપુરમાં 8.38 કરોડની છેતરપીંડી મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

વિજાપુરમાં 8.38 કરોડની છેતરપીંડી મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ મુકામે આવેલી શિવમ કેસ્ટર પ્રોડક્ટસ પ્રા.લી. કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપીંડી થયાની ઘટના સામે આવી છે. આ મામલે વિજાપુરના માધવપાર્ક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે બાળરોગ નિષ્ણાત ડૉ. ભરતકુમાર કચરાભાઈ પટેલ દ્વારા લાડોલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, લાડોલ સ્થિત શિવમ કેસ્ટર પ્રોડક્ટસ પ્રા.લી. કંપનીમાં ડૉ. ભરતકુમાર પટેલ મેજર શેરહોલ્ડર અને ડાયરેક્ટર તરીકે જોડાયેલા છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ.200 કરોડનું હોવાનું જણાવાયું છે. વર્ષ 2024 દરમિયાન કંપની વેચાણ બાબતે દિનેશકુમાર જયંતિભાઈ પટેલ અને કૌશિકકુમાર જયંતિભાઈ પટેલ દ્વારા શૈલેષકુમાર ગોરધનભાઈ પટેલ અને સચિનકુમાર અરજણભાઈ સંઘવી સાથે રૂ.23.51 કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો. તા.12 નવેમ્બર 2024ના રોજ કંપનીનો વહીવટ અને કબજો આરોપીઓને સોંપવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ કંપનીનો કબજો મેળવ્યા બાદ વેપારીઓ પાસેથી માલ ખરીદ્યો હોવાનો દેખાવ કરી માલના ખોટા બિલો અને ઈ-વે બિલો બનાવી કંપનીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. ખાસ કરીને ત્રિનીટી ગણેશ પ્રા.લી. કડીના ડાયરેક્ટર પાર્થ પટેલ અને મિનેષકુમાર સોમાભાઈ પટેલની મદદથી કોઈ માલ મોકલ્યા વગર ખોટા બિલો રજૂ કરી ચુકવણી કરાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓએ કુલ 502 ટનથી વધુ દિવેલ અને એરંડાના ખોટા બિલો બનાવી અને કંપનીના રેકોર્ડમાં કોઈ ગેટપાસ કે વજન નોંધ વિના ચુકવણી મેળવી હતી. આ રીતે આરોપીઓએ ભેગા મળી કુલ રૂ.8,38,04,256 (આઠ કરોડ અડત્રીસ લાખ ચાર હજાર બસો છપ્પન)ની છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે લાડોલ પોલીસ સ્ટેશન દ્વારા દિનેશકુમાર જયંતિભાઈ પટેલ, કૌશિકકુમાર જયંતિભાઈ પટેલ, શૈલેષકુમાર ગોરધનભાઈ પટેલ, સચિનકુમાર અરજણભાઈ સંઘવી, મિનેષકુમાર સોમાભાઈ પટેલ, પાર્થ પટેલ તથા દર્શન જી. પટેલ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા આર્થિક ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવહારો, બેંક ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!