AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે સુમન વિદ્યાલય, નારણપુરામાં સપ્તાહભર વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે નારણપુરા સ્થિત સુમન વિદ્યાલયમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી દરમિયાન સપ્તાહભર વિવિધ સાહિત્યિક અને સર્જનાત્મક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આચાર્ય, શિક્ષકમંડળ અને વિદ્યાર્થીઓના સહયોગથી માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવ જાગૃત કરતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે કાવ્યગાન, વાર્તાકથન, નાટ્યવાચન તેમજ સર્જક સાથે મુલાકાત જેવા કાર્યક્રમો યોજાયા હતા. સર્જક સાથે મુલાકાત કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર ઋતુરાજ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મૌલિક બાલવાર્તા રજૂ કરીને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લઈને સાહિત્ય પ્રત્યે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી.

20 ફેબ્રુઆરીના રોજ શાળાની લાઇબ્રેરીમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ નવલકથાઓ, કાવ્યસંગ્રહો, જીવનચરિત્રો, ભગવદ્ગોમંડળ તેમજ બાળવિશ્વકોશ જેવા મૂલ્યવાન ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પુસ્તકો નિહાળી વાંચન પ્રત્યે રસ દાખવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા ગુજરાતી ભાષાના વૈભવ અને સાહિત્યિક સમૃદ્ધિનો પરિચય વિદ્યાર્થીઓને મળ્યો હતો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના મહામંત્રી અલ્કેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમણે માતૃભાષાના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે પોતાની ભાષા અને સંસ્કૃતિ જાળવી રાખવી એ દરેક નાગરિકની જવાબદારી છે. ગુજરાતી ભાષા આપણા સંસ્કાર, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે અને નવી પેઢીએ તેનું ગૌરવ વધારવું જોઈએ.

21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી દરમિયાન જાણીતા બાળવાર્તાકાર દાદાજીના ભુલામણા તરીકે જાણીતા ભરતભાઈ પંચોલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાથમિક વિભાગના ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓને વિશિષ્ટ કાવ્ય-નાટ્ય પ્રવૃત્તિઓ માટે બિરદાવ્યા હતા અને એક રસપ્રદ ઢોલકી વાર્તા રજૂ કરીને બાળકોને આનંદિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાઈ આવ્યો હતો.

સુમન વિદ્યાલયના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ પટેલ દર વર્ષે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી દ્વારા માતૃભાષા પ્રત્યે પ્રેમ, આદર અને ગૌરવ વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કાર, સર્જનાત્મકતા અને પોતાની ભાષા પ્રત્યે લાગણી વધુ મજબૂત બને છે.

Back to top button
error: Content is protected !!