GUJARATKUTCHNAKHATRANA

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ- નિરોણામાં SSC-HSC ના વિદ્યાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહ યોજાયો.

માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગની બે દીકરીઓને “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર ૩૪ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાઇ.

નખત્રાણા,તા-૨૨ ફેબ્રુઆરી : સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહ ભવ્ય રીતે ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. માં શારદાની વંદના બાદ શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા મંચસ્થ મહાનુભાવોનુ શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર અપાયો.આવકાર બાદ વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓએ શાળા જીવન દરમિયાનના પોતાના ખાટા-મીઠા સંસ્મરણો વાગોળી ભાવુક ક્ષણો સર્જી હતી. જયારે વિદાય આપનાર વિદ્યાર્થીઓએ તેઓની સાથે વિતાવેલ સમય, તેમના દ્વારા મળેલ માર્ગદર્શન અને હૂંફભરી યાદોને પોતાના શબ્દોમાં રજૂ કરી હતી.ધો. ૧૦ ના વર્ગ શિક્ષક અલ્પેશભાઈ જાની અને ધો. ૧૨ ના વર્ગ શિક્ષિકા ભૂમિબેન વોરાએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવેલ હતી. જ્યારે શાળાના આચાર્ય શ્રી ડૉ. વી.એમ. ચૌધરીએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી હકારાત્મક અભિગમ સાથે બોર્ડ પરીક્ષાનો સામનો કરવા ઉપયોગી ટીપ્સ આપી શ્રેષ્ઠ પરિણામ માટે આશીર્વાદ આપેલ હતા.ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, ઇતર પરીક્ષાઓ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ૨૬ વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત “પ્લાસ્ટિક મુક્ત વિધાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા” અભિયાનને આગળ ધપાવનાર શાળાની ૮ દીકરીઓને વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો. આ રીતે કુલ ૩૪ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ બદલ સન્માનિત કરાયા.વર્ષ દરમિયાન સર્વોત્તમ પ્રદર્શન કરનાર માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની બે વિદ્યાર્થીનીઓ શ્રેયા ભાનુશાલી અને કોમલ આહીરને “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર” એવોર્ડથી નવાજવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ગત વર્ષના ધો. ૯ ના વિદ્યાર્થીઓના મની બેંકમાંથી એકત્રિત રકમથી ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ સાથે ટ્રાન્સપરન્ટ પાઉચ ભેટરૂપે અર્પણ કરી અનોખી શરૂઆત કરવામાં આવી. જ્યારે વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓએ પણ શાળાને ભેટ આપેલ હતી.કાર્યક્રમના અંતે ગામના સરપંચ નરોત્તમભાઈ આહિરે બોર્ડ પરીક્ષાને આફત નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની હાકલ કરી વિદ્યાર્થીઓમાં ઉમંગ અને આત્મવિશ્વાસ પ્રેર્યો. આ પ્રસંગે ગ્રામ અગ્રણીઓ કાનજીભાઈ ભાનુશાલી અને મોહનભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિ રહી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વંશી ભાનુશાલી અને સુગરાબાઈ કુંભારે કર્યું હતું, જ્યારે આભારવિધિ શિક્ષિકા અલ્પાબેન બુચિયાએ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ હતી.કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે પાઉભાજીની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.

Back to top button
error: Content is protected !!