AHAVADANGGUJARAT

ઐતિહાસિક ડાંગ દરબાર પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: વઘઇ-સાપુતારા અને આહવા માર્ગોની કાયાપલટ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની શાન અને આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ હરકતમાં આવ્યું છે. ઉત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને જિલ્લાના મુખ્ય માર્ગોને ‘ચકાચક’ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇથી સાપુતારા અને વઘઇથી આહવા, ચીંચલી તથા સુબીર તરફ જતા રાજ્ય ધોરીમાર્ગો પર હાલ વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસા બાદ રસ્તાની બંને બાજુએ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાઓને કારણે વાહનચાલકોને વળાંક પર સામેથી આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોની મદદથી માર્ગોને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે, જેથી વાહનચાલકોને ‘લાઇન ઓફ સાઇટ’ (દૃશ્યતા) વધુ સ્પષ્ટ મળી રહે.પહાડી વિસ્તાર હોવાથી અહીં અકસ્માતનો ભય રહેતો હોય છે. આ બાબતે રાજ્ય ધોરીમાર્ગના કાર્યપાલક ઈજનેર કેતનભાઈએ જણાવ્યું હતું કે,”ડાંગ જિલ્લાને જોડતા માર્ગો પર સલામતી વધારવી એ અમારી પ્રાથમિકતા છે. રસ્તાના જોખમી વળાંકો અને ઢોળાવ પર જૂના ક્રેશ બેરિયરનું મરામત કરવામાં આવ્યું છે અને જ્યાં જરૂર જણાય ત્યાં નવા બેરિયર બેસાડવામાં આવ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવવામાં સરળતા રહે તે માટે આ બેરિયર પર ઉચ્ચ ગુણવત્તાના રિફ્લેક્ટર પણ લગાવવામાં આવ્યા છે.”ડાંગ દરબાર દરમિયાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ટ્રાફિકનું ભારણ વધવાને કારણે અકસ્માતો ન સર્જાય તે માટે વળાંકવાળા અને જંગલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી છે. રસ્તાની પહોળાઈ વધારવા અને વિઝિબિલિટી સુધારવા માટે ઝાડ-ઝાંખરા દૂર કરવામાં આવેલ છે. ખીણ તરફના ભાગે મજબૂત સુરક્ષા કવચ માટે ક્રેશ બેરિયર.રાત્રિ દરમિયાન વળાંકોની સ્પષ્ટ ઓળખ માટે રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર સ્થાપન.તંત્રની આ કામગીરીને સ્થાનિક ગ્રામજનો અને નિયમિત મુસાફરી કરતા વાહનચાલકોએ આવકારી છે. લોકોનું કહેવું છે કે અગાઉ રાત્રિના સમયે ઘાટ માર્ગો પર દિશા ભ્રમ થવાની શક્યતા રહેતી હતી, પરંતુ હવે રિફ્લેક્ટર અને માર્ગ સફાઈને કારણે મુસાફરી વધુ સલામત બનશે.ડાંગ દરબાર એ માત્ર એક ઉત્સવ નથી પણ આદિવાસી રાજાઓ અને સંસ્કૃતિનું સન્માન કરવાનો અવસર છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી ડાંગની છબી પ્રવાસીઓ સમક્ષ વધુ ઉજળી બનશે તે ચોક્કસ છે.

Back to top button
error: Content is protected !!