MORBI:મોરબી અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવાની તક; ધોરણ ૮ થી ૧૨ પાસ યુવાનોએ ૧ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી

અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવાની તક; ધોરણ ૮ થી ૧૨ પાસ યુવાનોએ ૧ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી
વિવિધ કેડર માટે શૈક્ષણિક અને શારીરિક લાયકાતના ધોરણો નિર્ધારિત; joinindianarmy.nic.in ઉપર રજિસ્ટ્રેશન કરાવવું
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દેશસેવા અને સાહસિક કારકિર્દી બનાવવા ઈચ્છતા મોરબી જિલ્લાના યુવાનો માટે આ એક તક છે. લાયક ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને તા. ૧ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
ભરતી માટે નિર્ધારિત કરવામાં આવેલી શરતો અનુસાર, ઉમેદવારનો જન્મ ૧ ઓક્ટોબર ૨૦૦૫ થી ૧ એપ્રિલ ૨૦૦૯ (બંને તારીખો સહિત) ની વચ્ચે થયેલો હોવો જોઈએ. એટલે કે, ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે.
વિવિધ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અલગ-અલગ રાખવામાં આવી છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન માટે ધોરણ-૧૦ પાસ, અગ્નિવીર ટેકનિકલ માટે ગણિત અને વિજ્ઞાન વિષયો સાથે ધોરણ-૧૨ પાસ તથા અગ્નિવીર ક્લાર્ક માટે કોઈ પણ પ્રવાહમાં ધોરણ-૧૨ પાસ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત, ટ્રેડ્સમેનની કેટલીક જગ્યાઓ માટે ધોરણ-૮ પાસ યુવાનો પણ અરજી કરી શકે છે. શારીરિક લાયકાતમાં ઉમેદવારની ઊંચાઈ ૧૬૨ સેમીથી ૧૭૦ સેમીની વચ્ચે અને છાતીની પહોળાઈ ઓછામાં ઓછી ૭૭ સેમી હોવી જરૂરી છે.
યુવાનોએ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in ઉપર જઈ “અગ્નિપથ” વિકલ્પમાં જઈને નોંધણી (Registration) કરાવવાની રહેશે. જો ઉમેદવાર અગાઉ નોંધાયેલા હોય તો તેઓ સીધા લોગ-ઈન કરી શકશે. રજિસ્ટ્રેશન દરમિયાન મોબાઈલ કે ઈમેલ પર મળેલા OTP દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી ઉમેદવારો પોતાની યોગ્યતા ચકાસી શકશે. ત્યારબાદ, સંબંધિત રેલી પસંદ કરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે. અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો (૧૦ થી ૨૦ KB) અને સહી (૫ થી ૧૦ KB) સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફી સબમિટ કર્યા બાદ જ અરજી પ્રક્રિયા પૂર્ણ ગણાશે. ભરતી અંગેની વધુ વિગતવાર માહિતી અને સૂચનાઓ સેનાની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.








