જૂનાગઢમાં ૪૫ થી ૬૫ વર્ષના વયસ્કો માટે આયોજિત સ્પેશિયલ એડવેન્ચર કોર્સ સંપન્ન
જૂનાગઢમાં ૪૫ થી ૬૫ વર્ષના વયસ્કો માટે આયોજિત સ્પેશિયલ એડવેન્ચર કોર્સ સંપન્ન

જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘સ્પેશિયલ એડવેન્ચર કોર્સનો આજે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. ગત તા. ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સાત દિવસીય કોર્સમાં રાજ્યના વિવિધ ૧૧ જિલ્લાના ૪૫ થી ૬૫ વર્ષની વયના કુલ ૩૨ ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને પર્વતારોહણ અને ખડક ચઢાણની પાયાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.રાજ્ય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સંચાલિત આ તાલીમ કેન્દ્ર ખાતે પૂર્ણાહુતિ સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ (તાલીમ) શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પ્રકૃતિ સાથેનો સંપર્ક મનુષ્યને આત્મિક શાંતિ આપે છે. તેમણે તાલીમાર્થીઓને આધ્યાત્મિકતા અને પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે સ્પીપા (SPIPA) પ્રાદેશિક તાલીમ કેન્દ્રના જોઈન્ટ ડાયરેક્ટર શ્રીમતી મનીષા પટેલે આ શિબિરના આયોજનને બિરદાવતા કહ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ દર વર્ષે થવી જોઈએ જેથી વયસ્કોને પણ નવો ઉત્સાહ મળે.તાલીમ અંગે પોતાના અનુભવો વ્યક્ત કરતા તાલીમાર્થી શ્રી વિજયકુમાર ઠક્કર અને શ્રીમતી મીનાબેન ઠક્કરે જણાવ્યું કે, મોટી ઉંમરે પ્રકૃતિના સાનિધ્યમાં રહીને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિ કરવાથી તેઓ શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બન્યા છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ ૩૨ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રારંભમાં ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે શ્રી કે.પી. રાજપૂતે શિબિરની પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કાંતિલાલ બી. મકવાણાએ કર્યું હતું અને આભારવિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર શ્રી પ્રદીપકુમારે કરી હતી.આ એડવેન્ચર કોર્સને સફળ બનાવવા માટે માઉન્ટ આબુના શ્રી અંબર વિષ્ણુ, રાજસ્થાનના શ્રી પ્રદીપકુમાર અને બનાસકાંઠાના શ્રીમતી જીનલકુંવર સોલંકીએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





