
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના ગંભીરા પુલ નજીક સર્જાયેલી ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પુલોની સુરક્ષા અને જાળવણી અંગે લેવાયેલા કડક પગલાના ભાગરૂપે બંધ કરાયેલો સાકરપાતળનો ‘નંદી ઉતારા’ બ્રિજ આખરે એક વર્ષ બાદ પુનઃ કાર્યરત થયો છે. વઘઇ-શામગહાન આંતરરાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત આ મહત્વપૂર્ણ બ્રિજ પરથી ભારે વાહનો પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવતા આ વિસ્તારના વાહન વ્યવહારમાં ફરી ધમધમાટ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગંભીરા પુલની હોનારત બાદ સમગ્ર ગુજરાતમાં પુલોની ગુણવત્તા અને મજબૂતી અંગે ચિંતા પ્રસરી હતી. આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલે સાકરપાતળ પાસેના નંદી ઉતારા બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ એક વર્ષ દરમિયાન બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ, રી-ઇન્ફોર્સમેન્ટ અને સપાટી સુધારણા જેવી જટિલ ટેકનિકલ કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણા અને તેમની ટીમના સતત નિરીક્ષણ હેઠળ આ ગુણવત્તાસભર મરામત પૂર્ણ કરવામાં આવી છે.છેલ્લા એક વર્ષથી એસ.ટી. બસો, લક્ઝરી ટ્રાવેલ્સ અને મોટા માલવાહક ટ્રકોને વૈકલ્પિક લાંબા માર્ગો પરથી પસાર થવું પડતું હતું. જેના કારણે ઇંધણના ખર્ચમાં વધારો થવાની સાથે મુસાફરોના કિંમતી સમયનો પણ વ્યય થતો હતો. આ માર્ગ સીધો સાપુતારા જેવા પ્રવાસન સ્થળો અને ધાર્મિક કેન્દ્રોને જોડતો હોવાથી પ્રવાસીઓને પણ મોટી હાલાકી ભોગવવી પડી હતી. હવે બ્રિજ ખુલતાની સાથે જ માલવાહક વાહનો સમયસર પહોંચી શકશે, જેનાથી સ્થાનિક વેપારને વેગ મળશે,સાપુતારા અને આસપાસના કુદરતી સ્થળોએ જતા પ્રવાસીઓ માટે મુસાફરી સરળ બનશે,રોજિંદા અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂતોના સમય અને નાણાંની બચત થશે.માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સલામતીના તમામ ઉચ્ચ માપદંડો ચકાસ્યા બાદ જ આ પુલને લીલી ઝંડી આપવામાં આવી છે. જોકે, સ્થાનિક તંત્ર અને નાગરિકોનું માનવું છે કે હવે વાહનચાલકોએ પણ જવાબદારી પૂર્વક ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર સ્થિતિનું નિર્માણ ન થાય. એક વર્ષ બાદ ફરી ધમધમતો થયેલો આ બ્રિજ ડાંગ જિલ્લા અને ગુજરાતના પરિવહન માટે ખરા અર્થમાં ‘જીવનરેખા’ સાબિત થશે..





