AHAVADANGGUJARAT

ડાંગ દરબાર પ્રોટોકોલ અને પરંપરાના ભંગ મુદ્દે ભારે રાજકીય ગરમાવો, કોંગ્રેસ દ્વારા બહિષ્કારની ચીમકી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Oplus_16908288

ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમાન ડાંગ દરબાર-2026ના આયોજનને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સરકાર સામે વિરોધના વંટોળ ઉઠ્યા છે.ડાંગના પાંચ રાજવીઓના સન્માન અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવ સમાન આ મેળાના આયોજનમાં પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સ્નેહલ ઠાકરે  મેદાનમાં ઉતરી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, ડાંગ દરબાર જેવા ગરિમાપૂર્ણ અને ઐતિહાસિક પર્વનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પ્રથમ નાગરિક એટલે કે રાજ્યપાલના હસ્તે કરવામાં આવતું હોય છે. પરંતુ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારા ડાંગ દરબાર-2026ની જે સત્તાવાર પત્રિકા જાહેર થઈ છે, તેમાં ઉદ્ઘાટન વિધિ જિલ્લાના પ્રભારી મંત્રી જયરામભાઈ ગામીતના હસ્તે રાખવામાં આવી છે, જ્યારે રાજ્યપાલને માત્ર 3 માર્ચના રોજ યોજાનાર સમાપન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન અપાયું છે. આ આયોજનને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેએ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ કરી વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.સ્નેહલ ઠાકરેએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બંધારણીય પ્રોટોકોલ મુજબ રાજ્યપાલનું પદ મંત્રી કરતા ઘણું ઊંચું અને ગરિમામય છે. જ્યારે રાજ્યપાલ પોતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય, ત્યારે તેમના બદલે કોઈ મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાવવું એ માત્ર પ્રોટોકોલનો ભંગ નથી, પરંતુ રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ સરકાર પોતાના મંત્રીઓને પ્રસિદ્ધિ અપાવવા માટે ડાંગની વર્ષો જૂની પરંપરાઓ સાથે ચેડાં કરી રહી છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગના રાજવીઓનું સન્માન કરવાનો છે, પરંતુ સરકારના આવા નિર્ણયોથી રાજવી પરિવારોની લાગણી દુભાઈ રહી છે. લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે શું ડાંગના કલેક્ટર અને જવાબદાર અધિકારીઓ પ્રોટોકોલના નિયમોથી અજાણ છે? કે પછી રાજકીય દબાણ હેઠળ જાણી જોઈને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડાંગ દરબાર એ માત્ર એક મનોરંજનનો મેળો નથી, પણ ડાંગના ઈતિહાસ અને અસ્મિતા સાથે જોડાયેલું પર્વ છે, જેની મર્યાદા જળવાવી અનિવાર્ય છે.કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેએ અંતમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આયોજનમાં સુધારો કરવામાં નહીં આવે અને રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની પરંપરા જાળવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ ડાંગ દરબારનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. આ વિવાદ અંગે વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!